(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
શહેરના ઉપરવાસમાં આવેલ ચોર્યાસી, કામરેજ, પલસાણા અને બારડોલી તાલુકામાં થયેલ વરસાદના પગલે શહેરમાંથી વહેતી તમામ ખાડીઓમાં નવા નીર ઉમેરાતા ખાડીઓ બંને કાંઠે વહેતી થઇ છે. ભેદવાડ ખાડીની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી છે.
સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ થઇ રહ્યાં છે સવારના સમયે ચોર્યાસી, કામરેજમાં બેથી ત્રણ ઈંચ વરસાદ થતા વરસાદી પાણી ખાડીમાં વહેતુ થયું છે. શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓમાં નવા નીર ઉમેરાતા ખાડીઓ બંને કાંઠે વહી રહી છે. કાકરાખાડીની સપાટી ૫.૫૦ મીટર નોંધાઈ છે. ભયજનક સપાટી ૬.૫૦ મીટર છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી ૬.૭૫ મીટરની સામે આજે બપોરે ૧૨ કલાકે સપાટી ૬.૫૦ મીટર થતા ભયજનક સપાટીથી લગોલગ વહી રહી છે. મીઠીખાડી સપાટી ૬.૬૦ મીટર (ભયજનક ૭.૫૦ મીટર), ભાઠેના ખાડીની સપાટી ૬.૩૦ મીટર (ભયજનક ૭.૭૦ મીટર), સીમાડા ખાડીની સપાટી ૪ મીટર (ભયજનક સપાટી ૫.૫૦ મીટર) નોંધાઈ છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ પર પાલિકાની ટીમ સતત ગવોચ રાખી રહી છે.