(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩૦
આજે સુરત શહેરમાં કોરોના વાયરસના વધુ નવા ૨૧૭ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર ધન્વંતરી રથ ફરી રહ્યા છે. કોરોના વાયરસને કન્ટ્રોલ કરવા માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર તમામ પ્રકારના પગલાં ભરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ સુરતની વર્તમાન કોરોનાની પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે અનલોક-૩ની જાહેરાત કરી દીધી છે, ત્યારે સુરત શહેરની પ્રજાએ વધુ સાવચેત રહેવું પડશે અને કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવું જ પડશે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં કોરોના વાયરસના ૨૦૭ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા ૨૧૭ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૦,૬૧૮ ઉપર પહોંચી ગઈ છે. સુરત શહેરમાં ગઈકાલે આઠ દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૪૭૬ નોંધાયેલો છે.