(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચીંગ થવાની જુદી-જુદી પાંચ ઘટનાઓ શહેર પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં રોકાયેલી છે. તો શું આમ પ્રજા એ આ રીતે જ લૂંટાતા રહેવાનું ! તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ એલ.પી.સવાણી રોડ પાસે આવેલ અલ્પેશનગર સોસાયટીમાં રહેતા વિપુલકુમાર ભોગીલાલ મકવાણા તા.૫મી એપ્રિલના રોજ અડાજણ નૂતન રો હાઉસ સામે ટ્રાવેલ્સ બસની રાહ જાઈને ઊભો હતો. ત્યારે બાઈકપર આવેલા બે સ્નેચરોએ તેના ખિસ્સામાંથી રૂા.૧૦ હજારનો મોબાઈલ આંચકી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા.
બીજા બનાવમાં લિંબાયત દેવધ ગામ સ્થિત સંડે લગુનમાં રહેતો મહાવીર પ્રસાદ સત્યનારાયણ શર્મા તા.૧૭મી એપ્રિલના રોજ રાત્રિના સમયે નોકરી પૂર્ણ કરી પોતાના મિત્ર મૂકેશ પ્રજાપતિ અને દહીરામ સાથે કડોદરા રોડ પરવટપાટિયા ચાર રસ્તાની ઉપર ઓવરબ્રિજ પરથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર ત્રાટકેલા બે સ્નેચરોએ મહાવીર પ્રસાદના ખિસ્સામાં ઝાપટ મારી મોબાઈલ લૂંટીને ભાગી છૂટ્યા હતા.
ત્રીજા બનાવમાં અમરોલી કોસાડ રોડ સુર્યનગર સોસાયટીમાં રહેતો અને કાપડ ધંધા સાથે સંકળાયેલો મયુર દિનેશ શર્મા તા.૧૭મી એપ્રિલના રોજ રાત્રિના સમયે ખરવળનગર સોસાયટી નજીક ઉધના નહેર પરથી મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ત્રાટકેલા બે સ્નેચરોએ મયુરના ખિસ્સામાંથી રૂા.૮ હજારનો મોબાઈલ લૂંટી લીધો હતો. આ જોઈને મયુરે તેમનો પીછો કર્યો હતો પરંતુ બંને સ્નેચરોએ મયુરની મોપેડને લાત મારી તેને નીચે ફેંકી દીધો હતો. પરિણામે મયુરને માથામાં ઈજા પહોંચી હતી.
ચોથા બનાવમાં સલાબતપુરા ચીમની ટેકરા સ્થિત જૂના ડેપોમાં રહેતો અને રિંગરોડ માર્કેટમાં મજૂરીકામ કરતો અજીજ મજીદ શેખ તા.૧૭મી એપ્રિલના રોજ રાત્રિના સમયે ભાઠેના બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે સ્નેચરોએ તેના હાથમાંથી રૂા.૧૩ હજારનો મોબાઈલ લૂંટીને પલાયન થઈ ગયા હતા.
પાંચમાં બનાવમાં કાપોદ્રા ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતો અને ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલો નિલેશ કાંતિ પરમાર તા.૧૮મી એપ્રિલના રોજ સવારના સમયે સરથાણા નવજીવન હોટલ પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતો. ત્યારે એક્ટિવા પર આવેલા બે લૂંટારૂઓએ તેના હાથમાંથી રૂા.૬ હજારનો મોબાઈલ લૂંટીને રફૂચક્કર થઈ ગયા હતા. આમ આ બનાવ સંદર્ભે પોલીસે વિવિધ પાંચ ગુના નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અવિરત મોબાઈલ આંચકી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ આ ગુનેગારોને કયારે પકડશે ?