(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
નવા વર્ષના પ્રરંભ સાથે રાજ્ય સરકારે પોલીસ બેડામાં ઉચ્ચઅધિકારીઓને ખુશખુશાલ કરી દીધા છે. સરકાર દ્વારા આજે એક એડિશનલ ડીજીપી અને પાંચ ડીજીઆઇ કક્ષાના અધિકારીઓને આઇજી રેન્કમાં બઢલી આપી તેઓની મૂળ જગ્યામાં અપગ્રેડ કરવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માને પણ ડીજી (ડાયરેક્ટ જનરલ) તરીકે બઢતી આપવામાં આવી છે.
રાજ્ય પોલીસ તંત્રમાં મોટા ફેરફારો આવી રહ્યાના લાંબા સમયની ચર્ચા બાદ રાજ્ય સરકારે ફરી એક વખત બદલીઓ ન કરવાની માનસિકતા દાખવવા સાથે એક એડીશનલ ડીજીપી અને પાંચ ડીજીઆઇ કક્ષાના અધિકારીઓને આઇજી રેન્કમાં બઢતી આપી તેઓની મૂળ જગ્યા અપગ્રેડ કરી મૂળ સ્થાને ચાલુ રાખ્યા છે. એડીશનલ ડીજીપી કક્ષાના કાર્યદક્ષ એસીબી વડા કેશવકુમાર ડીજી તરીકે બઢતી આપતો હુકમ ઉપરોક્ત ઓર્ડરમાં ન થતા રાજ્ય સરકાર તેમના માટે અલગથી કઇક વિચારી રહ્યાની ચર્ચા વચ્ચે આઇપીએસ વર્તુળોમાં એક એવી ચર્ચા છે કે, આઇજી કક્ષાના બ્રહ્મભટ્ટ તથા શશીકાંત ત્રિવેદી અંગે પણ અલગથી વિચારણા ચાલે છે. ઉપરોક્ત ઓર્ડરમાં આઠ એસીપી કક્ષાના એડમીની સ્ટ્રેટીવ ગ્રેડ આપવામાં આવ્યા છે. આની સાથોસાથ ૧૪ જેટલા એસપીઓને સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યા છે. સુરતના પોલીસ કમિશનર સતિષ શર્માને ડીજી તરીકે બઢતી આપી તેઓને મૂળ જગ્યાએ જ અર્થાત સુરતમાં જ ચાલુ રખાયા છે. આ ઉપરાંત ડીઆઇજી કક્ષાના અધિકારીઓ ડૉ. વિપુલ અગ્રવાલ, રાજકોટના પૂર્વ રેન્જ વડા ડી. એન. પટેલ, ગાંધીનગર રેન્જ વડા મયંકસિંહ ચાવડા, કમાન્ડો ટ્રેનિંગના જી. એલ. સિંઘલ અને અમદાવાદના એડીશનલ પોલીસ જે. આર. મોથલિયાને પણ આઇજી ગ્રેડમાં બઢતી આપી મૂળ જગ્યાએ ચાલુ રખાયા છે. એસપી કક્ષાએ તેમને સિલેક્શન ગ્રેડ અપાયો છે. તેમાં નિલેશ જાજડિયા, બીપીન આહીર, જામનગર એસપી શરદ સિંઘલ, ચિરાગ કોટડિયા. આર. જે. પારગી, પી. એલ. માલ., એમ. એસ. ભાભોર, આર. એફ. સાંગડા. બી. આર. પાંડોર અને આર. એન ચૌધરી, એ. જી. ચૌહાણ, એમ. કે. નાયક, આર. વી. અંસારી અને કે. એન. ડામોરનો સમાવેશ છે. જ્યારે એડમીનિસ્ટ્રીટીવ ગ્રેડમાં જે આઠ એસપી કક્ષાના અધિકારીઓ મૂકાયા છે. તેમાં જયપાલસિંહ રાઠોડ, લીના પાટિલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિપ્ત રાય, દિપક મેઘાણી, અંતરીપ સુદ, મહેન્દ્ર બગારિયા અને સુનીલ જોષીનો સમાવેશ છે.