(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશ્નર સતીષ શર્માની અધ્યક્ષતામાં પોલિસ કમિશનર કચેરી ખાતે શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી.
સુરત શહેરમાં ટ્રાફિક, વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સમસ્યાને નિવારી શકાય, લોકો ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરે, રોડ પર દબાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય તે માટે યોજાયેલી આ બેઠકમાં લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને જનજાગૃતિ કેળવાય તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પોલિસી કમિશનરએ જણાવ્યું હતું કે, શહેરમાં પાર્કિંગ પોલિસીના કારણે ટ્રાફિક સમસ્યાનું મહદ અંશે નિરાકરણ આવશે. પાર્કિંગ પોલિસીના પ્રારંભે આમજનતાના હિતાર્થે શહેરીજનો અને વાહનચાલકોએ મહાનગરપાલિકાને સાથ સહકાર આપવાની પણ અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ફાયર અને એમ્બ્યુલન્સ જેવા જાહેર હિત સાથે જોડાયેલા વાહનોને બી.આર.ટી.એસ. રૂટમાં પસાર થવાની મંજૂરી મળે તે માટે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે. નાગરિકો જોડાઈને ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત્ત બને તેવા પ્રયાસો કરવા ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. સચિનના જીઆવ બુડિયા રોડ પર રોંગ સાઈડથી આવતા વાહનોને દંડ સહિત ડીટેઈન કરવાની કાર્યવાહી કરવા કહ્યું હતું. તેમણે ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહનધારકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવા અંગે સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.
સુરત એ.આર.ટી.ઓ. ડી.કે.ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન, કાયદાકીય જોગવાઇઓ સંબંધિત જાણકારી આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્કૂલ કોલેજો દ્વારા પણ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને જાણકારી આપવામાં આવે તે માટે શાળાઓને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે. તેમણે રાજ્યના વાહનવ્યવહાર વિભાગ અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી સંદર્ભે એક્શન ટ્રાફિક, પોલીસ જેવા મહત્વના સંલગ્ન વિભાગો તરફથી એક્શન પ્લાન ઘડવામાં આવશે, જે મુજબ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવશે.
આ બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનર મુલિયાણા, વરિષ્ઠ પોલીસ અધિકારી ડો.સુધીર દેસાઈ, ટ્રાફિક એ.સી.પી. ઝેડ.એ.શેખ, સુરત મહાનગરપાલિકા, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નવી સિવિલ હોસ્પિટલ, ગ્રાહક સુરક્ષા, માર્ગ અને મકાન, એસ.ટી. વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.