(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જીએસટી લાગુ કરાયા બાદ રોકાણકારોના અંદાજીત રુા.૩૦૦૦ કરોડના રીફંડના અટવાયેલા નાણાં પરત મેળવવા ૧૨૦૦૦ કેમિકલ અને ડાયસ્ટાફ ઉદ્યોગ દ્વારા અથાગ પ્રયાસો કરાય રહ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રની ભાજપ સરકારે દેશમાં જીએસટી લાગુ કર્યાના સાત માસ બાદ પણ ઉદ્યોગકારો તેની મુંજવણમાંથી બહાર નીકળી શક્યા જ નથી. સરકારને દરેક સેક્ટરમાંથી ઘણી ફરિયાદો થઇ રહ્યી છે.પરંતુ તેમાંથી સરકાર દ્વારા કોઇ રજૂઆત હજુ સુધી ધ્યાને લેવામાં આવી નથી. જેને લઇને તમામ સેક્ટરના ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીએસટી આવ્યા બાદનો સૌથી મોટો પ્રશ્ન એ ટેક્ષ ક્રેડીટ રીફંડનો છે. ઉદ્યોગકારોની કરોડો રૂપિયાનું રિફંડ સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવ્યું નથી. જેને લઇને હવે ઉદ્યોગકારોએ પણ પોતાના વ્યવસાયમાં મુડી ન હોવાના કારણે નવું રોકાણ બંધ કરી દીધું છે. આવનારા દિવસોમાં જો સરકાર કોઇ નિર્ણય નહી લે તો કેટલાય મોટા ઉદ્યોગો બંધ થઇ જશે. ભારતના કેમિકલ્સના બજારનું કદ ૧૪પ અબજ ડોલરનું છે. તેમાં મોટી મુડીની જરુર પડે છે. આ સંજોગોમાં મુડી અટવાઇ જાય તો તે નિકાસકારો માટે વધુ તકલીફ દાયક બને છે.
અત્રે નોંધણીય છે કે,જીએસટી અમલમાં આવ્યા બાદથી ઉદ્યોગકારોના રિફંડનો પ્રશ્ન ઉભો થયો છે જે આજે પણ યથાવત જ રહ્યો છે. વિવર્સોના કરોડો રૂપિયાની ટેક્ષ ક્રેડીટ સરકાર દ્વારા કોઇ નિર્ણય ન લેવાના કારણે જમા છે. ત્યાં સુરત સહિત રાજ્યના કેમિકલ અને ડાયસ્ટાફના ૧ર૦૦૦ થી વધુ નિકાસકારોના રૂા.રપ૦૦ થી ૩૦૦૦ કરોડના રિફંડ અટવાયા છે. આ રિફંડના નાણા વહેલા છુટા કરી આપવા માટે દિલ્હી રોજ રોજ ઇ-મેઇલ કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાંયકોઇ જ પ્રતિભાવ મળતો નથી. પરિણામે કમિકલ અને ડાયસ્ટાફ ઉદ્યોગનો નિકાસકારો પરેશાન છે.તેમને નવી મુડી ઉભી કરવામાં તકલીફ પડી રહી છે.