(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોર લૂંટારૂઓના આતંકની સામે પોલીસે સરેન્ડર થઈ ગઈ છે. ખુલ્લેઆમ રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ અને વાહનચાલકોને માર મારી લૂંટફાટ કરતા હોવા છતાં પોલીસ આ ટોળકીઓને પકડવા માટે નિષ્ફળ ગઈ હોય તેવું હાલની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જવા પામી છે. ફરી એકવાર શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ, ચેઈન અને પર્સની લૂંટ કરી લૂંટારૂ ટોળકીઓ ભાગી ગયા હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે.
શહેરના અમરોલી આવાસમાં રહેતો ગોપાલ ભદેલાલ યાદવ કાપોદ્રા ચાર રસ્તા પાસેથી એક ઓટો રિક્ષામાં બેઠો હતો. પરંતુ રિક્ષા ચાલતાની સાથે જ ચાલક અને તેના ત્રણ સાગરિતોએ ગોપાલને આગળ પાછળ બેસવાનું કહી તેના ખિસ્સામાંથી રૂા.૫ હજારનો મોબાઈલ ચોરી કરી લીધા બાદ તેને નીચે ઉતારી ભાગી છૂટ્યા હતા.
બીજા બનાવમાં કતારગામ પીપલ ચાર રસ્તા સ્થિત તુલસીનિવાસ એપાર્ટમેન્ટમાં રહેતો ભોગીલાલ નાઈ દિલ્લીગેટ બ્રિજ નીચેથી સવારના સમયે પગપાળા પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઈક પર ત્રાટકેલા બે સ્નેચરોએ તેની પાસેથી રૂા.૨૦,૮૦૦ના બે મોબાઈલ લૂંટીને લાલદરવાજા તરફ ભાગી ગયા હતા.
ત્રીજા બનાવમાં અડાજણ હનીપાર્ક રોડ કેપિટલ કોમ્પ્લેક્ષમાં રહેતો વિજેન્દ્રસિંગ મોહનસિંગ હાડા દિલ્લીગેટ ગોલ્ડન પોઈન્ટ પાસેના ઓવરબ્રિજ પર પત્ની સાથે બાઈક પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતા. ત્યારે બાઈક પર ધસી આવેલા બે સ્નેચરોએ વિજેન્દ્રની પત્નીના હાથમાંથી, મોબાઈલ, રોકડા રૂા.૧૨ હજાર, સોનાની બુટ્ટી, મંગળસૂત્ર, ડ્રાઈવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ, ચૂંટણીકાર્ડ મળી કુલ રૂા.૫૪ હજારની મતા ભરેલ પર્સ આંચકીને અંધારાનો લાભ લઈ લૂંંટારૂઓ સહારા દરવાજા તરફ નાસી છૂટ્યા હતા.
ચોથા બનાવમાં કતારગામ ઉદયનગરમાં રહેતી અને એસએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી કોકીલાબેન ચુનિલાલ પ્રજાપતિ ભાઠેના ઉમિયાધામ મંદિર પાસે સાફસફાઈ કરી રહ્યાં હતા. ત્યારે અજાણ્યા ગઠિયાઓએ તેમના એપ્રોનના ખિસ્સામાંથી ૮ હજારનો મોબાઈલ ચોરી લીધો હતો.
પાંચમાં બનાવમાં ગોડાદરા શામળાધામ રો હાઉસમાં રહેતો અમિત જયંતી પટેલ કડોદરા સુરત રોડ પરવટ પાટિયા ઓવરબ્રિજ પાસે રિક્ષાની રાહ જોઈને ઉભો હતો તે વખતે બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ તેના હાથમાંથી મોબાઈલ આંચકી પરવટ ગામ તરફ જતા રોડ ઉપર નાસી છૂટ્યા હતા.
છઠ્ઠા બનાવમાં પરવટ પાટિયા સાઉથ ઝોનની બાજુમાં નિલકંઠ હાઈટ્સમાં રહેતી પ્રિયંકાબેન નવીનભાઈ અગ્રવાલ નામની મહિલા પુણા આઈમાતા રોડ ડીઆર વર્લ્ડની સામે પ્લેગ્રાઉન્ડમાં ચાલી રહ્યાં હતા. ત્યારે અજાણ્યા ગઠિયાઓએ તેમની નજર ચૂકવી તેમના ગળામાંથી રૂ.૭ હજારની સોનાની ચેઈન ચોરી લીધી હતી. આમ શહેરમાં ૬ જેટલી ફરિયાદો પોલીસ મથકોમાં નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટારૂઓએ લગભગ રૂ.૧.૧૦ લાખની મતાની લૂંટ કરી નાસી છુટ્યા હોવાનું જાણવા મળે છે.
સુરત સિટી બની ક્રાઈમ સિટી, એક જ દિવસમાં પાંચ સ્નેચિંગના બનાવો : પોલીસ નિષ્ક્રિય

Recent Comments