(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
નવી સિવિલ હોસ્પિટલમાંથી મંગળવારે એટલે ૨૮મી એપ્રિલ કોરોના પોઝિટિવ દર્દી આઈસોલેશન વોર્ડમાંથી નાસી ગયો હતો. જેને પકડવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, આ દર્દી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ નજીકથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેના અંતિમ સંસ્કાર કરવાની સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા પીએમ રૂમ આસપાસ સેનિટાઈઝનું કામ અને તેના સંપર્કમાં આવેલાની તપાસ કરવાની સાથે વોર્ડમાંથી ભાગ્યો તે સમયના સીસીટીવી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું આરએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
માનદરવાજા ટેનામેન્ટના ૫૦ વર્ષીય ભગવાન હરીકૃષ્ણ રાણા ભાગી ગયા હતા. રેડ ઝોનનો આ કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતા લિંબાયત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, દર્દી મૃત હાલતમાં મળી આવતાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. કેતન નાયકે જણાવ્યું હતું કે, દર્દી ભાગી ગયો ત્યારથી તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવીની તપાસ થઈ રહી છે. સાથે જ પીએમ રૂમ બહાર જ્યાંથી દર્દી મૃત હાલતમાં મળી આવ્યો તે વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. દર્દી કોઈના સંપર્કમાં આવ્યો હોય તો તેનો પણ રિપોર્ટ કરવામાં આવશે.