(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૭
સિવિલ હોસ્પિટલમાં મૃતક દર્દીના મોબાઈલ ગાયબ થઈ જતા હોવાની બેદરકારી સામે આવી છે. ૫૦ વર્ષીય કોરોના ગ્રસ્તનું મોત થયા બાદ તેમના પરિવારજનોને મૃતકની તમામ વસ્તુઓ મળી જો કે, તેમાં મોબાઈલ ફોન ન હોવાથી તેમણે તપાસ કરી તો સિવિલમાંથી એક બીજા પર ખો અપાતાનું સામે આવ્યું હતું.
વરાછા રોડ પર આવેલી મમતા પાર્ક સોસાયટીમાં રહેતા મનસુખભાઈ ક્યાડાના ડાયમંડ બ્રોકરેઝના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. બે દીકરા અને એક દીકરીના પિતા મનસુખભાઈને થોડા દિવસો અગાઉ તાવ આવ્યો હતો. બાદમાં ચોથી જુલાઈના રોજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. છ જુલાઈના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યાં હતાં. આજે રાત્રીના સમયે તેમનું અવસાન થયા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. મૃતક મનસુખભાઈના ભત્રીજા મનોજભાઈ ક્યાડાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મૃતકની અંતિમ વિધિ બાદ તેમનો સામાન સિવિલમાંથી લેવામાં આવ્યો ત્યારે બાકીની તમામ વસ્તુઓ રૂદ્રાક્ષની માળા, ફોનનું ચાર્જર તથા કપડા બધું જ મળ્યું હતું પરંતુ રેડમી-૬ ફોન મળી આવ્યો નહોતો. આઠેક હજાર જેવી કિંમતનો ફોન કોઈએ ચોરી લીધો હોય તેવું સામે આવ્યું છે. સિવિલના તંત્રએ એકબીજા પર ખો નાખતા જોવા મળ્યાં હતાં. મૃત્યુના આવા સમયે કોઈ નાની-નાની વસ્તુઓ ગાયબ થઈ જાય તે અંગેની ફરિયાદ ન કરતું હોવાથી અમુક તત્વો ચોરી કરતાં હોવાના આક્ષેપ પણ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યાં હતાં.