(એજન્સી) નવી દિલ્હી, તા.૯
વર્ષ ર૦ર૦ બોલીવૂડ માટે એક દુર્ભાગ્યપૂર્ણ વર્ષ સાબિત થઈ રહ્યું છે. ઋષિ કપૂર, ઈરફાનખાન, સુશાંતસિંહ, અને સરોજખાન સહિત ટીવી અને ફિલ્મ જગતના અનેક સ્ટાર આ વર્ષે આપણને છોડીને જતા રહ્યા. આ દરમ્યાન દિગ્ગજ અભિનેતા અને કોમેડિયનનું ૮૧ વર્ષની ઉંમરમાં મોત નિપજ્યું છે. આમ તો જગદીપે અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી પરંતુ સુપરહિટ ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીનો તેમનો રોલ આજે પણ યાદ કરવામાં આવે છે. જગદીપના અવસાન પછી શોલે ફિલ્મના જય-વીરૂ એટલે ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને ટિ્‌વટ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જગદીપના અવાસન પર દુઃખ વ્યક્ત કરતા ધર્મેન્દ્રએ ટિ્‌વટ કરી લખ્યું કે જગદીપ તમે પણ જતા રહ્યા, તેમજ તેમણે પોતાની ફિલ્મ ‘હમસે ના ટકારાના’ની એક ક્લિપ શેર કરી. જેમાં તે અને જગદીપ સાથે જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર અને જગદીપે એક સાથે અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. ત્યાં અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જગદીપને યાદ કરતા લખ્યું કાલે રાત્રે અમે વધુ એક રત્ન ગુમાવ્યું. જગદીપ, અસામાન્ય કોમેડિયન અને અભિનેતાનું અવસાન થઈ ગયું. તેમણે પોતાની એક અલગ સ્ટાઈલ તૈયાર કરી હતી અને મને તેમની સાથે અનેક ફિલ્મોમાં કામ કરવાનું સન્માન મળ્યું. શોલે અને શહેનશાહએ તો દર્શકો પર ભરપૂર પ્રેમ આપ્યો. અહીં સુધી કે તેમણે મને તે ફિલ્મમાં પણ એક ગેસ્ટ રોલ કરવાની ભલામણ કરી. જે તેમણે પોતે બનાવી હતી અને જે મેં કર્યો. એક વિનમ્ર વ્યક્તિ લાખો લોકોના પ્રેમાળ તે માટે મારી દુઆ અને મારી પ્રાર્થના. તમને જણાવી દઈએ કે જગદીપનું વાસ્ત્વિક નામ સૈયદ ઈશ્તિયાક અહેમદ જાફરી હતું. શોલે, હમસે ના ટકરાના, શહેનશાહ, દો બીઘા જમીન, આર પાર, ખિલૌના, અને તીન બહુરાનિયા સહિત જગદીપે ૪૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯પ૧માં આવેલી ફિલ્મ અફસાનામાં એક બાળ કલાકાર તરીકે જગદીપે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જોની વોકર અને મહેમૂદ પછી જગદીપે ફિલ્મોમાં કોમેડી પાત્ર દ્વારા ઘણો પ્રેમ મેળવ્યો હતો. જગદીપે શમ્મી કપૂરની સાથે ફિલ્મ બ્રહ્મચારીથી તેમણે કોમેડી પાત્રની શરૂઆત કરી હતી. જગદીપના પુત્ર જાવેદ જાફરી પણ બોલીવૂડમાં કામ કરે છે. જો કે મીડિયા રિપોર્ટ મુજબ જગદીપ અને જાવેદ જાફરીની વચ્ચે કેટલીક વાતો અંગે નારાજગી હતી. જગદીપ દારૂ પીતા હતા તે અંગે જાવેદ જાફરીની પોતાના પિતા સાથે વિવાદ થયો હતો. પરંતુ જગદીપે દારૂ પીવાનું છોડી દીધું અને બધું બરાબર થઈ ગયું. પરંતુ થોડા સમય પછી તેમણે ફરી દારૂ પીવાનું શરૂ કર્યું.