(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૧
શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવને બે વર્ષથી કરોડોનાં ખર્ચે સુંદર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ શિવરાત્રી પહેલા પૂર્ણ કરી દેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આધુનિકરણનું કામ પૂર્ણ થયા બાદ શિવરાત્રીએ દેશનાં ગૃહમંત્રી અમિત શાહ તળાવનું લોકાર્પણ કરે તેવું જાણવા મળ્યું છે.
શહેરની શાન ગણાતા સુરસાગરને સૌંદર્યવાન બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યું છે. જેમાં અંદરનાં ભાગે વોકીંગ માટેનો માર્ગ બનાવવામાં આવ્યો છે. તેમજ અમદાવાદનાં કાંકરીયા તળાવની જેમ બાકડા પણ મુકવામાં આવશે. સુરસાગરની મધ્યમાં શિવની પ્રતિમા હોવાથી લોકો દર્શન માટે પણ આવે છે. છેલ્લાં બે વર્ષથી આ તળાવને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તળાવમાં માટીનું પુરણ કરીને તેમજ ગટરોનાં પાણી બંધ કરીને સુંદર બનાવવામાં આવી રહ્યું છે. તળાવોની ચારેકોર ઉભી રહેતી લારીઓ તેમજ અન્ય દબાણોને દુર કરીને સુંદર ફેન્સીંગ કરવામાં આવ્યું છે. આગામી તા.૨૧મીએ શિવરાત્રીએ આ તળાવની સુંદરતાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આજે ધારાસભ્ય યોગેશ પટેલ, મેયર ડો.જીગીશાબેન શેઠ સહિતનાં રાજ્યકીય નેતાઓ અને મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓની ટીમોએ સુરસાગર તળાવની મુલાકાત લઇ કામગીરી નિહાળી હતી. આ તળાવનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહનાં હાથે કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.