સુરેન્દ્રનગર, તા.૨૪
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે લખતર તાલુકાના કડુ-ઓળક રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણથી ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોની અમદાવાદ – સુરેન્દ્રનગર રૂટની એસ.ટી.બસ મુસાફરો ભરીને અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી.
તે દરમિયાન લખતર તાલુકાના ઓળક ગામ પાસે રાત્રીના સમયે સુરેન્દ્રનગરથી મુસાફરો ભરેલી અમદાવાદ તરફ જઈ રહેલ બોલેરો પીકઅપ ગાડી અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યારે આ એસ.ટી.બસ પાછળ આવતા એક ટ્રકના આગળના ભાગમાં પીકઅપ વાન ઘૂસી જતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
જેમાં સદનસીબે એસ.ટી.બસના ચાલકને કોઈ ઈજાઓ પહોંચી ન હતી પરંતુ પીકઅપ વાનમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં.
જ્યારે રાત્રીના સમયે ત્રિપલ અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ આ અકસ્માતની જાણ થતાં લખતર પી.એસ.આઈ. વાય.એસ. ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે લખતર સરકારી દવાખાનાના ફરજ પરના ડોકટરે તમામ ઈજાગ્રસ્તો પૈકી બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.