સુરેન્દ્રનગર, તા.ર૯
સુરેન્દ્રનગર શહેરની નગરપાલિકાના ચૂંટણી માટેના કાર્યક્રમો બંને પક્ષ દ્વારા શરૂ થઈ ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારનો આઝાદી બાદ પણ હજુ વિકાસ થયો નથી અને આ વિસ્તારના લોકો યાકના ભરી જિંદગી જીવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ કોટેચા તેમજ તેમની ટીમના સભ્યો દરેક વોર્ડની મુલાકાત લઈ અને તેમની સમસ્યાઓ અંગે શહેરની જનતાને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નં.૪મા કે જે માનવ મંદિર વિસ્તાર ગણવામાં આવે છે. કોંગ્રેસની ટીમ મુલાકાતે ગઈ ત્યારે તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં કોઈક પ્રકારની સુવિધા નથી આ વિસ્તારમાં પંદરસોથી ૨૫૦૦ જેટલી વસ્તીનો વસવાટ છે. ત્યારે આ વિસ્તારમાં રોડ, પાણીની સગવડતા, લાઈટ નથી. આ વિસ્તારની મહિલાઓ અને લોકો જણાવતા હતા કે, આ વિસ્તારમાં ચૂંટણી આવે ત્યારે મત માંગવા આવે છે અને ચૂંટાયા બાદ જરા પણ ડોકાતા નથી, રજૂઆત કરવા જાય તો ગ્રાન્ટ આવે એટલે આ વિસ્તારના કામો થઈ જશે, તેઓ જણાવી અને ખોટા વચનો આપીને જતાં રહે છે. સુરેન્દ્રનગર શહેરની નગરપાલિકામાં અનેકવાર લેખિતમાં તેમજ મૌખિકમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પ્રકારનો આ વિસ્તારમાં કામો થયા નથી જેવું હાલમાં આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.