(સંવાદદાતા દ્વારા)
વઢવાણ, તા.૭
સુરેન્દ્રનગર શહેરમાં દયાધર્મ-પણ ખતમ થયો હોય તેવી ઘટના શહેરની કૃષ્ણનગર સોસાયટીમાં બનવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતી સાવકી માતાએ પુત્ર ગુમ થયાના સમાચાર વહેતા કરી પુત્રને પેટીમાં પૂરી દઈ અને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
જેમાં સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં પુત્ર લાપતા બન્યો હોવા અંગેની ફરિયાદના બે દિવસ બાદ પોલીસ તપાસમાં હતી ત્યારે પુત્રની સાવકી માતા ઉપર શંકાની સોય પોલીસે વ્યક્ત કરી હતી. તેના પતિને આ બનાવમાં ખાનગી રાહે તપાસ કરવા માટે પોલીસે ખાસ જણાવેલ. ત્યારબાદ આ જ સાવકી માતાએ માત્ર છ વર્ષના પુત્રને પેટીમાં પૂરી મોતને ઘાટ ઉતાર્યો હોવાની બિન પ્રકાશમાં આવેલ છે. ડોગ સ્કવોર્ડે પણ તેણીની તરફ જ નિર્દેશ કરે છે.
આ બનાવની જાણ થતાં કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને આ મહિલા સામે ભારે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે તો સિટી પોલીસે સાવકીમાતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડમાં રહેતા શાંતિલાલ પરમારના અગાઉના લગ્ન જીવનમાં પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ શાંતિલાલે બીજા લગ્ન જીનલબેન સાથે કર્યા હતા. શાંતિલાલના લગ્નજીવનથી એક પુત્ર હતો. જેનું નામ ભદ્ર (ઉ.વ.૬) હતું. શાંતિલાલને નવી પરીણિતા જીનલને આ સાવકો પુત્ર ભદ્ર આંખમાં કણાની માફક ખૂંચતો હતો ત્યારે બે દિવસ પહેલાં ભદ્ર એકાએક ગુમ થયો હોવાનો ડોળ જીનલે રચ્યો હતો. પિતા શાંતિલાલે શોધખોળ કરવા છતાં ભદ્ર કયાંય મળ્યો ન હતો. જેના કારણે પિતા શાંતિલાલે સુરેન્દ્રનગર સિટીમાં પુત્ર ભદ્ર ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. ત્યારે ગુમ થનાર બાળકની જીનલ સાવકી માતા હોવાના કારણે પોલીસને શંકા વ્યક્ત કરી હતી અને બે દિવસની તપાસ બાદ આ જ વાત સામે આવેલ છે. જિનલે સાવકા પુત્રને પોતાના રૂમમાં પેટીમાં પૂરી અને મુંજાઈ અને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ખૂલતા પોલીસ તેમજ પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. આમ, બનાવ બન્યાના ગણતરીના દિવસોમાં જ પોલીસે ગુનો-ડિટેઈન પણ કરી નાંખ્યો છે. હાલમાં આ વિસ્તારમાં લોકોના ટોળા અને પોલીસની તપાસનો ધમધમાટ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાવકી માતાને પોતાની જ કુખે પણ એક પુત્રી અવતરેલ છે. હવે જો તેણીની માતા જેલમાં જશે તો એના પણ ભાવિ અંગે પ્રશ્ન ઉદ્‌ભવશે. આમ મોચી પરિવારનો માળો પલવારમાં આ મહિલાએ પીંખી નાંખ્યો છે.