(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૪
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી જીએસટીના મામલે જિનર્સ દ્વારા હડતાળ પાડવામાં આવેલ છે. ત્યારે જીએસટી કાઉન્સિલર કમિટીની મળેલ તાજેતરની બેઠકમાં કપાસ ખરીદી ઉપર પ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ સૌરાષ્ટ્ર જીનર્સ એ.સો.દ્વારા કરવામાં આવ્યો છે.
ત્યારે જીનર્સો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે ઝાલાવાડના જિનીંગ માલિકો પણ હડતાળમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા કપાસનું ભારે ઉત્પાદન થતાં હાલ જિનિંગોમાં કપાસની ભરપુર આવકો શરૂ થઈ ગઈ છે. જેમાં વઢવાણ લીંબડી, સુરેન્દ્રનગર, મૂળી, લખતર અને ધ્રાંગધ્રા સહિત તાલુકાઓમાં કપાસના ઢગલે ઢગલા ખડકાયેલા છે. ત્યારે માર્કેટીંગ યાર્ડોમાં પણ કપાસના ઢગલા પડ્યા છે. અને ખેડૂતોની હાલત ખરીદી ન થવાના કારણે કફોડી બની ગઈ છે.
જિનિંગના માલિક સંદિપભાઈ અનિરૂદ્ધસિંહ જે.પી. ટ્રેડિંગવાળા જણાવી રહ્યા છે કે જીએસટીના કારણે નાણાંનું રોકાણ વધુ થાય છે. ત્યારે સરકાર જિનસોની મુશ્કેલી સમજવામાં નાકામિયાબ રહેલી છે. ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડના ખેડૂત પેનલના વજુભા રાઠોડ જણાવતા હતા કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી.
ત્યારે જી.એસ.ટી.નો જિનીંગ અને સરકાર વચ્ચે સમાધાન ન થતાં આખરે ખેડૂતોને જ ભોગવવાનો આવ્યું છે. ખેડૂતોનો કપાસ તેમના ઘર કે ખબામાં પડ્યો છે. જેના કારણે તેઓની આર્થિક હાલત કફોડી થઈ જવા પામી છે. ‘આમ આજથી જિન માલિકો અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવેલ છે.