(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વધુ છ કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને રોજ અંદાજે બેથી ત્રણ કોરોના પોઝિટિવ કેસો જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વધુ છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ એલઆઈસી સોસાયટીમાં રહેતાં ૩૮ વર્ષના પુરૂષ અને રતનપર વાલ્મીકીવાસમાં રહેતાં ૨૪ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે પ્રાથમિક તપાસમાં બંન્ને દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૮૬ ઉપર પહોંચ્યો હતો જ્યારે શહેરી વિસ્તારમાં એક સાથે છ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં જઈ સ્થાનિક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી ક્વોરન્ટાઈન, સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી. તો બીજી તરફ વાત કરે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પણ એક ૨૪ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા લીંબડીમાં પણ કોરોના વિશે ભય ફેલાઈ જવા પામ્યો છે પાટડીના દરબારી બગીચા વિસ્તારમાં વસવાટ કરતા ૨૬ વર્ષીય યુવાનને કોરોનાના લક્ષણો દેખાતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ગઈકાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.