સુરેન્દ્રનગર, તા.૮
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસો અમદાવાદમાં નોંધાતા તંત્ર અને સરકાર સાવચેત બની છે. ત્યારે અમદાવાદના અંજલી ચાર રસ્તા, વાસણા વિસ્તારમા રહેતા અને લીંબડી તાલુકાની નાની કઠેચી, કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકાને કોરોના પોઝીટીવ આવતા સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને લીંબડી તાલુકાના નાની કઠેચી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકા કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને મહિલા શિક્ષિકાની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા અમદાવાદથી નાની કઠેચી શાળામાં વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા અંગેની કામગીરી માટે આવ્યા હતા. પરંતુ કોઈ જ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા નહોતા અને બપોર સુધી શાળામાં રોકાયા હતા. પરંતુ પ્રાથમિક તપાસમાં શિક્ષિકાના સસરાને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આ બનાવ બાદ આરોગ્યતંત્ર સફાળું જાગ્યું હતું અને વધુ તપાસ સહિત ચેકીંગ હાથ ધરી હતી.