(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૮
સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદ પડતાં સુરેન્દ્રનગર શહેર તથા તાલુકાઓ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો, રોડ-રસ્તા, મકાનો સહિતના નાળાઓમાં ભારે નુકસાન થયું હતું. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના અનેક ડેમ ઓવરફલો થતાં કેટલાક પુલોને નુકસાન થયું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ હોવાથી અનેક નાળાઓ, પુલો સહિતના રસ્તાઓ તુટી ગયા છે. જેના લીધે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લખતર તાલુકાના સાકર ગામે અતિશય વરસાદના કારણે અને ડેરવાળા ગામ નજીક આવેલ કોઝવેમાં પુષ્કળ પાણી આવતા સાકર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. સાકર ગામના નવાપરા વિસ્તારમાં લોકોના ઘરમાં ઢીંચણ સમાના પાણી ભરાવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદ પડશે. તો જિલ્લાના ઉભા પાક બળી જવાની દહેશત ઉભી થશે.ત્યારે હાલ ખેડૂતો દ્વારા ઈશ્વર પાસે વરસાદ રોકવા પ્રાર્થના કરવામાં આવી રહી છે. તો વરસાદ રહે તે માટે મુસ્લિમો દ્વારા જુમ્માની નમાઝ અદા કરી ખાસ દુઆઓ માગવામાં આવી હતી.
જિલ્લામાં વરસાદના પગલે તમામ જળાશયો ઓવરફ્લો બન્યા છે. ત્યારે તેના પગલે જિલ્લામાં નદીઓ અને નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ખેતરો પાણીમાં ગળાડુબ છે. ત્યારે પાક નિષ્ફળ જવાના અને જિલ્લાના લીલો દુષ્કાળ પડવાના એધાણ વર્તાઈ રહ્યા છે.
ઉપરાંત મુળી સરા ગામે ગામનાં માથાભારે ઈસમો દ્વારા આડેધડ ગેરકાયદેસર બાંધકામ કરીને કુદરતી જે પાણી નિકાલના વહેણાં હતાં. તે બંધ કરી દેવામાં આવેલ છે. જેના વહેણ અન્ય બદલાતા નજીકમાં આવેલ શાળાના બાળકો વિદ્યાર્થીઓને પાણીમાંથી જ પસાર થવું પડે છે. જેથી વાલી સતત ચિંતામાં રહે છે. તેમ છતાં આ સરા ગ્રામ પંચાયતના સત્તાધીશો આ બાબતે આંખઆડા કાન કરીને આ રસ્તો રોકનાર ઈસમોને છાવરી રહ્યા છે ?