સુરેન્દ્રનગર, તા.ર૭
રસુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં લેવાયેલ બિન સચીવાલય કલાર્કની ભરતી પરિક્ષામાં ગેરરીતીના બનાવો સામે આવતા સમગ્ર પરિક્ષા રદ્દ કરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલ પરિક્ષા કેન્દ્રમાં તા. ૧૭ નવેમ્બરના રોજ લેવાયેલ પરિક્ષામાં વઢવાણના ખારવાની પોળમાં રહેતો ૨૫ વર્ષીય હરપાલસિંહ અશોકસિંહ ડોડીયા મોબાઇલ સાથે પરિક્ષા આપતો હોવાનું ધ્યાને આવતા તા. બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આથી આ કેસના તપાસ અધિકારી સીપીઆઇ કે.એચ.ત્રિવેદીએ પરિક્ષાર્થી હરપાલસિંહ ડોડીયાની ધરપકડ કરી હતી. અને જામીન લાયક ગુનો હોઇ હરપાલસિંહનો જામીન પર છુટકારો થયો હતો. આ અંગે સીપીઆઇ કે.એચ.ત્રિવેદીએ જણાવ્યુ કે, હાલ પરિક્ષા ખંડના પ્રતિબંધીત વિસ્તારમાં મોબાઇલ લઇ જવાનો ગુનો દાખલ કરાયો છે. જયારે પરિક્ષાર્થી પાસેથી જપ્ત કરાયેલ મોબાઇલ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. જયાંથી રીપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.