(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.રપ
ભારતભરમાં જે પદ્માવત ફિલ્મનો જબ્બર વિરોધ પ્રગટ્યો છે. આજે કરણીસેના સુરેન્દ્રનગર દ્વારા ભારત બંધના ટેકામાં સુરેન્દ્રનગર, વઢવાણ, અને જોરાવરનગર સહિતના ગામોએ બંધના એલાનને સફળ બનાવ્યો છે.
આજે સવારથી જ સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ભારત બંધના એલાન અનુસાર સુરેન્દ્રનગર અને વઢવાણ જોરાવરનગર સહિતના જોડિયા ગામો તો બંધ જ રહ્યા છે તો એસટી બસ વ્યવહાર પણ હાલમાં સંપૂર્ણપણે બંધ રહ્યો છે. વળી ખાનગી ટ્રાવેલ્સ પણ બંધ રહી છે. જ્યારે શાળાઓ પણ સવારથી જ બંધ રાખવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એકંદરે હાલ શાંતિપૂર્ણ રીતે જિલ્લો સજ્જડ બંધ રહ્યો છે અને કોઈ અનિચ્છનિય બનાવો હાલ લખાય છે ત્યાં સુધી ક્યાંય બન્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે ઉપર પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાઈવે ચાલુ હોવાનું પોલીસ તંત્ર જણાવી રહ્યું છે. આજે સવારથી જ વઢવાણના માર્કેટીંગ યાર્ડમાં અમદાવાદ-રાજકોટ વલસાડ, ડીસા, સહિતના ગામોમાંથી બકાલુ ભરીને આવતા અનેક વાહનો આવ્યા ન હતા. જેના કારણે બકાલા માર્કેટમાં શાકભાજીના વેપારીઓ દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડેલ ત્યારે આજે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર સહિતના જોડિયા. ગામોમાં માર્કેટીંગ યાર્ડમાં જ શાકભાજી ન આવવાના કારણે આજે સજ્જડ બંધ રહેવા પામેલ છે.લખતરમાં કરણી સેના દ્વારા બંધ દરમ્યાન રેલી શાંતિપૂર્ણ નીકળી હતી પરંતુ અમુક રેલીના તોફાની તત્ત્વો દ્વારા બેથી ત્રણ જગ્યાએ તોડફોડ કરી હતી જેમાં લખતર ખાતે એક લેબોરેટરીમાં ૪,પ૦,૦૦૦નું નુકસાન કરણીસેનાના યુવાનો દ્વારા કરાયાની રજૂઆત થઈ છે. લખતરના મુબારક કોમ્પલેક્ષમાં દુકાન નં.૮માં આવેલી શિવ લેબોરેટરીમાં સેનાના તોફાની તત્ત્વો દ્વારા સેલ કાઉન્ટિંગ મશીન લેબોરેટરીનો કાચ અને કોમ્પ્લેક્ષમાં પડેલી ચીજ વસ્તુની તોડફોડ કરી હોવાનું લેબોરેટરીના ટેકનિશિયને જણાવ્યું છે. જવાબદાર સામે પગલાં ભરી સાંજ સુધીમાં જવાબદારોને પકડી પુરી દેવા એસ.પી. મેઘાણીએ સૂચના આપતા પોલીસે બાજુમાં આવેલી એસ.બી.આઈ.ના સી.સી.ટીવી કેમેરા ચેક કરી જવાબદારોને પકડવા તજવીજ હાથ ધરી હતી.