સુરેન્દ્રનગર, તા.૪
સુરેન્દ્રનગર ખાતે આવેલ સબ જેલમાં સજા ભોગવી રહેલા વિવિધ ધર્મ-સમાજના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનોએ વિચાર્યું કે રાષ્ટ્ર સામે સંકટ આવ્યું છે, તેમાં આપણે પણ ‘‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે’’ યોગદાન આપવું જોઈએ અને તેમના આ વિચારબીજે રૂપિયા ૫૪,૦૦૦ની રકમને રાષ્ટ્ર અર્પણ કરી.
સબ જેલના અધિક્ષક એચ.આર.રાઠોડે બંદીવાન ભાઈઓની સમાજ પ્રત્યેની ઉદાત્ત ભાવનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં આ સબ જેલમાં વિવિધ ધર્મ-સમાજના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનો વિવિધ ગુન્હા સબબ સજા ભોગવી રહ્યા છે. આ ભાઈ-બહેનોને જ્યારે ખબર પડી કે કોરોના રૂપી વાયરસે સમગ્ર વિશ્વના અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. જેના સામે લડવા ભારત સરકાર અને રાજય સરકાર તેના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે, ત્યારે આ બંદીવાનોએ પણ કોરોના સામેના જંગ લડવા રાજય સરકારને આર્થિક રીતે સહયોગી બનવાનો નિર્ધાર કર્યો. આ માટે સબ જેલના ૧૨ બંદીજનોએ ભેગા મળી તેમના ખાતામાં જમા રકમમાંથી કુલ ૫૧૦૦/- રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપ્યા છે, જયારે બાકી બંદીજનોએ પણ આર્થિક રીતે મદદરૂપ થવા પોતાની પાસે જરૂરી રકમ ન હોવાથી રામનવમી નિમિત્તે એક દિવસનો સંપૂર્ણ ઉપવાસ કરીને તેમના બંન્ને ટાઈમના ભોજનના બચેલા રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપ્યા છે.
બંદીવાન ભાઈ-બહેનોને રાષ્ટ્ર ભાવનાથી ગદ્દગદીત બનેલા જેલ અધિક્ષક રાઠોડે પણ માનવીય અભિગમ દાખવી ઉપવાસી તમામ બંદીવાન ભાઈ-બહેનોને તેમના ખર્ચે સવાર-સાંજ ફળાહાર કરાવ્યો હતો.
અધિક્ષક રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે, આ સબ જેલમાં ૯૩ હિન્દુ અને ૨૩ મુસ્લીમ સહિતના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એડી. ડી.જી.પી. ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સબ જેલ દ્વારા ૧૨ બંદીવાન ભાઈઓની બચત રકમ રૂપિયા ૫૧૦૦/- તેમજ હિન્દુ -મુસ્લીમ સહિતના ૧૧૬ બંદીવાન ભાઈ-બહેનોએ કરેલા ૧ દિવસના ઉપવાસના કારણે તેમણે બે સમય ન કરેલા ભોજનની બચત રકમ રૂપિયા ૬૦૦૦/-ની સાથે સબ જેલના તમામ પોલીસ કર્મીઓના ૧ દિવસના પગારની રકમ તેમજ સબ જેલના જેલ સહાયક ઋષિરાજસિંહ સુરના પગારની રકમ મળી કુલ રૂપિયા ૫૪,૦૦૦ની રકમનો ફાળો એકત્રિત કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે.