(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૧
કઠુઆ-ઉન્નાવ અને સુરતમાં થયેલ બળાત્કારના વિરોધમાં સુરેન્દ્રનગર-સાયલા અને લીંબડીના હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ મૌન રેલી યોજી અને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.
કઠુઆ-ઉન્નાવ-સુરતમાં થયેલા બાળાઓ પર બળાત્કારના મામલે સુરેન્દ્રનગર જિલ્લાના મુસ્લિમ સમાજના પિરે-તરીકત સૈયદ હાજી યુસુફમિંયા બાપુના અધ્યક્ષસ્થાને અને સાયલા ખાતે દલિત મુસ્લિમ મંચ દ્વારા મૌન રેલી યોજાઈ હતી અને સરકારે દરખાસ્ત કરવા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને લીંબડી ખાતે સરકારની સામે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યું હતું અને બળાત્કારી સામે કડકમાં કડક કાર્યવાહી થાય સુખ્તમાં સખ્ત સજા થાય, આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી. આ મૌનરેલીમાં હજારોની સંખ્યામાં નાના બાળકો, મહિલાઓ પુરૂષો અને વૃદ્ધો જોડાયા હતા અને પોસ્ટરો, બેનરો લઈ બાળાઓને ન્યાય મળે તે માટે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આ મૌનરેલીમાં સૈયદ હાજી યુસુફમિંયા બાપુ, ઈરફાન બાપુ (ડાડાબાપુ), હાજી હનીફબાપુ, મોહનભાઈ પટેલ, હાફિઝ અબ્દુલ રહેમાન, તમામ મસ્જિદના ઈમામ સાહેબો, સુલેમાન કુરેશી, સિકંદરભાઈ, હાસમભાઈ જામ, ઈસ્માઈલ પટેલ, રૂસ્તમ પિલુડિયા, મહેબુબખાન વગેરે તમામ આગેવાનો ઉપસ્થિત રહી તેમના દ્વારા મૌનરેલીની વ્યવસ્થા જાળવવામાં આવી હતી.