નવી દિલ્હી, તા.૨૧
પીએમ મોદીએ હાલમાં જ સંન્યાસ લેનાર સુરેશ રૈનાને પત્ર લખીને જીવનની બીજી પારી માટે શુભકામનાઓ પાઠવી છે. સુરેશ રૈનાએ ધોનીના એલાન બાદ ૧૫ ઓગસ્ટે પોતાના સંન્યાસની ઘોષણા કરી હતી. ધોની અને રૈનાના આ નિર્ણયે લોકોને હેરાનીમાં મૂકી દીધા હતા. બંનેની જય-વીરૂ જેવી દોસ્તીનાં લોકોએ ભરપેટ વખાણ પણ કર્યા હતા.
પીએમ મોદીએ રૈના ના પણ વખાણ કર્યા અને તેને એક શાનદાર ખેલાડી ગણાવ્યો હતો. સાથે જ રૈનાની ફિલ્ડીંગના પણ વખાણ કર્યા હતા અને કહ્યું કે, બોલથી પણ રૈના પર કેપ્ટનને પૂરો ભરોસો હતો. રૈનાએ પીએમ મોદીનો આભાર માનતાં આ પત્ર સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અને કહ્યું કે, દેશના પીએમથી મળેલ આ રીતનાં પ્રેરક શબ્દો સાચેમાં બહુ મોટી વાત છે.
પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે, ૧૫ ઓગસ્ટે તમે તમારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય કર્યો હતો. હું રિટાયરમેન્ટ શબ્દનો ઉપયોગ નથી કરવા માગતો કેમ કે તમે રિટાયર થવા માટે ખુબ જ નાના અને ઊર્જાવાન છે. ક્રિકેટના મેદાન બાદ હવે તમે તમારા જીવનની બીજી પારી માટે તૈયારી કરી રહ્યા છો. પેઢીઓ ન ફક્ત તમને એક સારા બેટ્‌સમેન તરીકે યાદ રાખશે પણ એક ઉપયોગી બોલર તરીકે પણ તમારી ભૂમિકાને ભૂલાવી શકાતી નથી. તમે એક એવા બોલર છો કે જેના પર મોકો પડવા પર કેપ્ટન ભરોસો કરી શકતો હતો. તમારી ફિલ્ડીંગ શાનદાર હતી.
રૈનાએ પીએમ મોદીનો આભાર માનતાં લખ્યું કે, જ્યારે અમે રમતા હોઈએ તો દેશ માટે પોતાનો ખુન-પસીનો વહાવીએ છીએ.
આ દેશનાં લોકોના પ્રેમથી અન્ય બીજી કોઈ મોટી પ્રેરણા નથી અને જ્યારે દેશના વડા પ્રદાન તમારા માટે આવું કહે છે તો આ એક મોટી વાત હોય છે. મોદીજી તમારા પ્રેરક શબ્દો અને શુભકામનાઓ માટે આભાર. જય હિંદ.