(એજન્સી) તા.૧૬
સુશાંતસિંહ રાજપુત કેસમાં ખોટા સમાચારો ફેલાવનારા આરોપી, જે દિલ્હીનો રહેવાસી છે, તેની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વકીલ હોવાનો દાવો કરનાર આ વ્યકિતને મુંબઈ પોલીસ મુંબઈ લાવી છે. વિભોર આનંદ નામક આ વ્યકિતનો ટવીટર એકાઉન્ટ સોશિયલ મીડિયા મંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં સ્થગિત કરી દેવાયું છે. વિભોર આનંદ પર આરોપ છે. કે તેણે સોશિયલ મીડિયા પર કેટલાય સનસનાટીભર્યા અને અપમાનજનક આરોપ લગાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપુત અને તેની મેનેજર દિશા સાલિયાનના મૌત અંગે તેણે ઘણી ખોટી બનાવટી ષડયંત્ર કહાણીઓ બનાવીને ઘણા લોકોને પોતાની પોષ્ટ દ્વારા લક્ષ્યાંકિત કર્યા હતા. તે વ્યકિતને આ કેસના સંબંધમાં મુંબઈ લવાયો છે તેના ઉપર ઘણી કાયદાકીય કલમો સહિત ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાયો છે. વિભોર આનંદે દિશા સાલિયાનના મોત અંગે પણ કેટલાક સનસનાટીભર્યા આરોપ લગાવ્યા હતા. તે સુશાંતની મેનેજર હતી. તેણીનું ૮ જૂને મુંબઈના એક રહેણાંક બિલ્ડીંગના ૧૪મા માળેથી નીચે પડી જવાના કારણે મોત થઈ ગયું હતું. આનંદે ટવીટર પર દાવો કર્યો હતો કે સાલિયાનની હત્યા કરાઈ હતી અને હત્યા અગાઉ તેના પર બળાત્કાર થયો હતો. તેણે આની પાછળ ઘણા બોલિવુડના પ્રખ્યાત લોકોના નામ લીધા હતા. એનડીટીવી જોડે વાત કરતા મુંબઈના પોલીસ કમિશનર પરમવીરસિંહ કહ્યું હતું કે, મીડિયામાં એવી એક કથા તૈયાર કરી દેવાઈ હતી. કે મુંબઈ પોલીસે આ કેસનું સંચાલન બહુ ખરાબ રીતે કર્યું છે. અમારે બહુ જ અપમાન વેઠવું પડયું હતું. છેલ્લા મહિને મુંબઈ પોલીસે એક મોડેલ અને યુ-ટયુબ ઉપયોગકર્તાની ધરપકડ કરી હતી. જે એક પત્રકાર બનવાનો ઢોંગ કરીને સોશિયલ મીડિયા પર મહિલાઓ વિરૂદ્ધ અપમાનજનક સામગ્રી પોષ્ટ કરતો હતો. પ્રદીપ મોહિન્દરસિંહ ઉર્ફે સાહિલ ચૌધરી નામના આ વ્યકિતએ સુશાંત રાજપુતના મોત સહિત અનેક મુદ્દાઓ વિશે પોતાના યુ-ટયુબ ચેનલ પર વીડિયો પોષ્ટ કર્યા હતા. તેની વિરૂદ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી, જેથી બાદમાં મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી અને તેની વિરૂદ્ધ પત્રકાર હોવાનો ઢોંગ કરવા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના આરોપમાં આઈપીસી સંબંધિત ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરાયો. તેણે પોલીસ સમક્ષ કબુલ્યુ હતું કે તે પત્રકાર નથી અને યુ-ટયુબ અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના અનુયાયીઓ વધારવા માટે વીડિયોઝ પોષ્ટ કરતો હતો.