(એજન્સી)               તા.૧૯

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત ના મૃત્યુના કેસની તપાસ સીબીઆઇને સોંપવા અંગે સુપ્રિમ કોર્ટે આજે કરેલા આદેશને બોલીવૂડના કલાકારોએ અને વિવિધ પક્ષના નેતાઓએ પણ આવકાર્યો હતો અને કહ્યું હતું કે કોઇપણ જાતના પક્ષપાત વિનાની તપાસની દિશામાં આ પહેલું કદમ છે. ઉલ્લેખનીય છે કે સુશાંતસિહ ગત ૧૪ જૂનના રોજ તેમના બાન્દ્રા વિસ્તારમાં આવેલા ફ્લેટ મત હાલતમાં મળી આવ્યો હતો અને આ ઘટનાને મુંબઇ પોલીસે આત્મહત્યામાં ખપાવી દીધી હતી.  બોલીવૂડની ખ્યાતનામ હસ્તી ગણાતા અક્ષય કુમાર અનુપમ ખેર અને અંકિતા લોખંડેએ પણ સુપ્રિમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એમ તમામ લોકોએ સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયે મુંબઇ પોલીસને સુશાંતસિંહ રાજપૂત મૃત્યુકેસમાં અત્યાર સુધી પ્રાપ્ત તમામ દસ્તાવેજો અને પૂરાવા સીબીઆઇને સોંપી દેવા આદેશ કર્યો હતો અને મહારાષ્ટ્ર સરકારને પણ સીબીઆની તપાસમાં સહકાર આપવાની તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતસિહ રાજપૂતના પિતાએ પટણા પોલીસમાં સુશાંતસિહની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તિ ઉપર સુશાંતને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાનો આરોપ મૂકતી એક એફઆઇઆર નોંધાવી હતી જેના પગલે રિયા ચક્રવર્તીએ આ એફઆઇઆરને પટણાથી મુંબઇ પોલીસને ટ્રાન્સફર કરવાની દાદ માંગતી એક અરજી સુપ્રિમ કોર્ટમાં કરી હતી અને તેના આધારે જ સુપ્રિમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો આજે આદેશ કર્યો હતો. આ ચુકાદો આવ્યાની થોડી મિનિટોમાં સુશાંતસિંહની બહેન શ્વેતાસિંઘ કિર્તિએ ટિ્‌વટ કરીન્‌ કહ્યું હતું ઇશ્વર તારો ખુબ ખુબ આભાર. તે અમારી પ્રાર્થના સાંભળી, પરંતુ આ તો હજુ શરૂઆત છે, સત્યની દિશામાં પ્રથમ ચરણ છે, સીબીઆઇમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટનો આદેશ જ પૂરવાર કરે છે કે જે કંઇ થયું તે બરાબર નહોતું થયું. હાલની સ્થિતિમાં કોઇ રાજકીય નિવેદન કરવું યોગ્ય ગણાશે નહીં. આ સમગ્ર બાબત કોઇ રાજકારણ માટેની નહોતી, આ સમગ્ર બાબત ન્યાય માટેની હતી. હવે તપાસ ઝડપી બનશે. આજે પૂરવાર થઇ ગયું છે કે બિહાર સરકારે જે કાંઇ પગલાં લીધા હતા તે નિયમ અને કાયદા અનુસાર હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટના ચુકાદાએ પૂરવાર કરી દીધુ છે કે બિહાર તદ્દન સાચુ હતું અને તેનો અભિગમ તદ્દન યોગ્ય અને ઉચિત હતો. લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને કહ્યું હતું કે આજનો ચુકાદો સુશાંતસિંહના પરિવારનો વિજય છે. વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે તેમણે તો ગત ૩૦ જૂનના રોજ જ આ કેસની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી.