મુંબઇનેPOK સાથે સરખાવનારી અભિનેત્રીનો મહારાષ્ટ્રની સરકારના નેતા સંજય રાઉતે વિરોધ કર્યો ત્યારે કેન્દ્ર સરકારે સુરક્ષા આપી ઇનામ આપ્યું, હિમાચલ પ્રદેશ સરકારની સલાહથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો
કંગનાને પર્સનલ સિક્યોરિટી ઓફિસર અને ૧૧ હથિયારધારી પોલીસકર્મી તથા કમાન્ડોનું સુરક્ષા કવચ પૂરૂં પડાયું, મુંબઇમાં ડ્રગ માફિયાઓ વિશે બોલવા બદલ ધમકીઓ મળી હોવાની દલીલ આગળ ધરાઇ
‘‘હું અમિત શાહની આભારી છું અને તેઓ ઇચ્છતા તો મને કેટલાક દિવસ પછી મુંબઇ જવા દીધી હોત, પણ તેમણે ભારતની દીકરીના વચનોનું સન્માન જાળવ્યું, મારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી, જય હિંદ’’ : કંગના
(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચેની રાજકીય લડાઇમાં જંપલાવી કેન્દ્ર સરકારની એજન્સીઓનું ભરપૂર સમર્થન કરવા બદલ અભિનેત્રી કંગના રાણાવતને ઇનામ મળ્યું હોય તેમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને વાય પ્લસ સુરક્ષા પૂરી પાડી છે. મુંબઇને તાજેતરમાં જ પીઓકે સાથે સરખાવીને વિવાદ ઊભો કરનારી આ અભિનેત્રી શિવસેનાના નેતા સંજય રાઉત સાથે ચડભડમાં ઉતરી તેના મધ્યે આ જાહેરાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશની સરકારની સલાહ મુજબ કંગના રાણાવતને પર્સનલ સિક્યોરિટી અધિકારી અને ૧૧ હથિયારધારી પોલીસકર્મીઓ સહિતના કમાન્ડોની વાય પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે તેમ ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને પગલે ફિલ્મ ઉદ્યોગના એક ભાગમાં પ્રતિબંધિત ડ્રગ વિશે બોલ્યા બાદ કથિત રીતે કંગનાને ધમકીઓ મળી રહી હોવાની વાતો થઇ રહી હતી. દરમિયાન સુરક્ષા મળવાની જાહેરાતને પગલે કંગનાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો આભાર માન્યો છે. તેણે હિંદીમાં ટિ્વટ કર્યું હતું કે, ‘‘આનાથી સાબિત થયા છે કે, ફાસીવાદીઓ દ્વારા દેશભક્ત અવાજને દબાવી શકાય નહીં. હું અમિત શાહની આભારી છું કે તેઓ ઇચ્છતા હોત તે સ્થિતિને પગલે મને કેટલાક દિવસ મુંબઇ જવાની સલાહ આપી હોત પરંતુ તેમણે ભારતની એક દિકરીના વચનોનું માન જાળવ્યું, મારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી, જય હિંદ’’.
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ મુદ્દે ટીપ્પણીઓ બદલ મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનામાંથી આકરા પ્રહારોનો ૩૩ વર્ષિય અભિનેત્રી સામનો કરતી હોવાથી ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારના આ પગલાંથી હવે રાજકીય ઘમસાણ વધી શકે છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે ગત વર્ષે શિવસેના અને ભાજપે લાંબા સમયથી ચાલી આવતા ગઠબંધનનો અંત આણ્યો હતો અને ત્યારથી બંને વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલુ છે જેમાં આ કેસનો પણ સમાવેશ થાય છે. હાલ પોતાના ગૃહરાજ્ય હિમાચલમાં રહેતી કંગનાએ અભિનેતાના મૃત્યુ કેસમાં મુંબઇ પોલીસની તપાસ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ટીકા કરતી રહેતી હતી તથા એવું પણ કહ્યું હતું કે, હાલની શિવસેનાની આગેવાનીવાળી સરકારે મુંંબઇમાં રહેવાનું જોખમી બનાવી દીધું છે. તેની ટીપ્પણીઓથી સત્તાધારી શિવસેના અને ગઠબંધન સાથી એનસીપીના નેતાઓ નારાજ હતા જ્યારે કેટલાક નેતાઓએ કહ્યું હતું કે, તેણે મુંબઇથી દૂર રહેવું જોઇએ. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, જો અભિનેત્રીને ડર લાગતો હોય તો તેણે મુંંબઇથી દૂર જ રહેવું જોઇએ. તેણે શિવસેનાના નેતા સંજય રાઉત પર ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, મુંબઇ પીઓકે જેવું લાગે છે. તેના નિવેદનથી ગિન્નાયેલા શિવસેનાના નેતાઓએ વિવાદાસ્પદ નિવેદનો આપીને તેને માફી માગવા માગ કરી હતી.
શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સારાનિકે કહ્યું હતું કે, અભિનેત્રીની રાજદ્રોહના આરોપમાં ધરપકડ થવી જોઇએ સાથે જ કહ્યું હતું કે, જો તે મુંંબઇમાં પાછી ફરે તો આપણી બહાદૂર મહિલાઓએ તેને લાફો માર્યા વગર પાછી જવા દેવી ના જોઇએ. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે, પોલીસે બદનામ કરનારાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવી જોઇએ. રાઉતે કંગનાને પીઓકે જતા રહેવાની સલાહ પણ આપી હતી. ત્યારબાદ સેનાના કાર્યકરો દ્વારા કંગનાના પોસ્ટરો પર ચપ્પલો મારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ કંગનાએ ટિ્વટ કરીને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર કોઇના બાપનું નથી અને મહારાષ્ટ્ર એનું જ છે તેણે મરાઠી ગૌરવને પ્રતિષ્ઠિત કર્યું છે અને હું ખુલ્લેઆમ કહું છું કે, હું મરાઠી છું અને મારૂં શું ઉખેડી લેશો? કંગના રાણાવતે બોલિવૂડમાં મોટા લોકો દ્વારા નેપોટિઝમ અને નવા આગંતુકો તથા દુશ્મનોની ખેંચતાણ તથા તેમને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો અને સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ આ લોકોનો હાથ હોવાની શંકા દર્શાવી હતી. અધૂરામાં પુરૂં તેણે ટોચના અભિનેતાઓ દ્વારા ડ્રગના ઉપયોગનું ચલણ હોવાનું કહીને કેટલાક નામો પણ આપ્યા હતા. ૧૪મી જૂને મુંબઇના એક એપાર્ટમેન્ટમાં અભિનેતા મૃત મળ્યા બાદ જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત અભિયાનમાં કંગના રાણાવત સૌથી આગળ રહી હતી.
Recent Comments