મુંબઇ,તા.૮
બોલીવડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં તપાસ ચાલી રહી છે. આ દરમ્યાન, મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સીલ બંધ કવરમાં તપાસ અંગેનો રિપોર્ટ દાખલ કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં મહારાષ્ટ્ર સરકારે બિહાર સરકાર પર આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે આ મામલે બિહાર સરકારે નિયમોની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે. બિહાર સરકાર પાસે માત્ર જીરો એફઆઈઆર દાખલ કરવાનો અધિકાર હતો. તેમણે એફઆઈઆર દાખલ કરીને અમારી પાસે મોકલવાની જરૂર હતી. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે એફઆઇઆર દાખલ કરીને બિહાર પોલીસે તપાસ શરૂ કરી જેનો તેમને કોઈ અધિકાર ન હતો. જયારે તપાસ જ ગેરકાનૂની છે તો બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કેવી રીતે કરી શકે છે. કેન્દ્રએ પણ સીબીઆઈ તપાસની માંગ સ્વીકારીને ખોટું કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે બિહાર સરકાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવી અયોગ્ય છે. કેન્દ્ર સરકાર દ્વારા બિહારની અનધિકૃત માંગનો સ્વીકાર કરવો કેન્દ્ર-રાજ્ય સંબંધોની સંવૈધાનિક મર્યાદાઓની વિરુદ્ધમાં છે.