CBIની તપાસમાં સુશાંતની માનસિક સ્થિતિ ઉપર ભાર મૂકાતો હોવાથી ડૉક્ટરોના આ નિવેદનોનું મહત્ત્વ વધી ગયું છ

(એજન્સી) તા.૩
સુશાંતસિહ રાજપૂતના છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન તેમની સારવાર કરનારા બે મનોચિકિત્સકોએ શોધી કાઢ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂત ભારે ડિપ્રેશનમાં હતા, તે ઉપરાંત તે માનસિક લાગણીઓ અને ચિંતાઓથી ઘેરાયેલા વિષાદગ્રસ્ત અવસ્થામાં હતા, એમ મુંબઈ પોલીસ દ્વારા રેકોર્ડ કરાયેલા ડૉક્ટરોના નિવેદનોમાં દાવો કરવામાં આવ્યો હતો. બંને ડૉક્ટરોએ કહ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂતે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું જેના કારણે તેમની તબિયત એ હદે લથળી ગઈ હતી કે જેની સારવાર કરવી અત્યંત મુશ્કેલ હતી. બોલીવૂડના અભિનેતાને એક મિનિટનો સમય કેટલાય દિવસો જેવો લાગતો હતો, એમ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં આ ડૉક્ટરોએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂતના ગત ૧૪ જૂનના રોજ થયેલા મૃત્યુ કેસની હાલ સીબીઆઈ દ્વારા ચાલી રહેલી તપાસમાં મુંબઈ પોલીસ દ્વારા લેવાયેલા આ ડૉક્ટરોના નિવેદનોને પણ સમાવી લેવામાં આવ્યા છે.
આ તમામ ઘટનાક્રમે સૂચવે છે કે, સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સુશાંતની માનસિક અવસ્થાના કારણે અને કઈ-કઈ દવાઓ આપવી તે બાબતે સતત ડૉક્ટરોના સંપર્કમાં રહેતી હતી. યાદ રહે કે સુશાંતસિહના પરિવારે રિયા ઉપર ગંભીર આરોપ મૂક્યો છે કે, સુશાંતસિંહના મોતમાં તેણે અહમ ભૂમિકા ભજવી હતી. હાલ આ કેસમાં ચાલી રહેલી તપાસમાં સુશાંતસિહની માનસિક સ્થિતિના મુદ્દાને વધુ ભાર આપવામાં આવ્યો હોઈ આ તબક્કે ડૉક્ટરોના આ નિવેદનોનું મહત્ત્વ અનેકગણુ વધી જાય છે. સુશાંતસિંહના પરિવારે દાવો કર્યો હતો કે, સુશાંત માનસિક બીમારીઓથી પીડાતો હોવાની તેમને કોઈ જાણ નહોતી, તે સાથે પરિવારે એવો પણ આરોપ મૂક્યો હતો કે, રિયા ચક્રવર્તિ સાથે ડેટિંગ શરૂ કર્યું ત્યારબાદ જ તેની તબિયત લથડવા માંડી હતી. અગાઉથી પણ માહિતી બહાર આવી હતી કે સુશાંતની એક બહેને પોલીસને જાણ કરી હતી કે સુશાંતે માનસિક તકલીફ હોવાનું જણાવ્યું હતું અને ૨૦૧૩ની સાલમાં તેણે એક મનોચિકિત્સકનો સંપર્ક પણ કર્યો હતો. એક ડૉક્ટરે એવી પણ માહિતી આપી હતી કે તેણે ૮ જૂનના રોજ સુશાંતસિહ સાથે વાત પણ કરી હતી. યાદ રહે કે, ૮ જૂનના રોજ રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી અને એ જ દિવસે સુશાંતની બહેન મિતુસિંહ તેની સાથે રહેવા તેના ઘરે આવી હતી, તે ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે, રિયાએ તેને વ્હોટ્‌સએપ ઉપર એવો મેસેજ કર્યો હતો કે, સુશાંતસિહ ફરીથી ડિપ્રેશનમાં આવી ગયો છે અને બંધ કરેલી દવાઓ ફરીથી શરૂ કરી શકાય કે કેમ ? તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે સુશાંતને વ્હોટ્‌સએપ ઉપર દવાઓનું પ્રિસ્ક્રિપ્શન પણ મોકલી આપ્યું હતું પરંતુ સુશાંત તેમની સાથે વાત કરવા માંગતો હતો તેથી તેમણે રિયાના ફોન ઉપરથી સુશાંતની સાથે વીડિયો કોલ કરીને વાત પણ કરી હતી.