(એજન્સી) મુંબઈ, તા.૩
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તેઓ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હતાં અને તેઓ દવા લઈ રહ્યાં હતાં. મુંબઈ પોલીસે ડોકટરોની પૂછપરછ બાદ આ માહિતી આપી હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે સુશાંત પોતાના અંતિમ દિવસોમાં ગૂગલ પર પીડા વિના મોતના ઉપાયો સર્ચ કર્યા હતાં. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે સુશાંત વારંવાર ગૂગલ પર પોતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું નામ અને કોઈ માનસિક બીમારી અંગે પણ સર્ચ કરી રહ્યાં હતાં. દિશાનું પણ ગત નવ જુનના રોજ મોત થયું હતું. મોત પહેલાં આખરી કલાકોમાં સુશાંતે પોતાનું નામ પણ સર્ચ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમને આ માહિતી સુશાંતના મોબાઈલ ફોન અને લેપટોપ મારફતે મળી હતી. સુશાંતની ગૂગલ હિસ્ટ્રીને જોતા તે દિશાની મોતથી પરેશાન હોવાનું જણાતું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. મુંબઈના પોલીસ કમિશનર પરમ બીર સિંહે મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુશાંત સિંહ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હતાં. તેમની સારવાર ચાલી રહી હતી અને તેઓ દવાઓ લઈ રહ્યાં હતાં. કયા કારોણસર તેમનું મોત થયું તે અંગે અમે તપાસ કરી રહ્યાં છે. મુંબઈ પોલીસે એમ પણ જણાવ્યું હતું કે તેમની મોતની તપાસમાં કોઈ રાજનેતાનું નામ સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર થઈ રહેલા આ દાવા ખોટા છે. કોઈપણ પાર્ટીના કોઈપણ નેતાનું નામ સામે આવ્યું નથી. સુશાંતના પિતાએ તાજેતરમાં બિહાર પોલીસમાં રિયા ચક્રવર્તી સામે છેતરપિંડી, નાણાં પડાવવા અને અભિનેતાને માનસિક ત્રાસ આપવાના આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થયાં બાદ હવે આ મામલે તપાસ ચાલી રહી છે. સુશાંતના એકાઉન્ટમાંથી રૂા. ૧૫ કરોડ ઉપાડવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.