(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, બંને પાર્ટીઓને અગ્રવાલ સમાજથી નફરત છે. કેજરીવાલે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેઓએ ભાજપ અને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યો હતો. એક વીડિયો તે વખતનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેજરીવાલે પોતાને પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તા મામલે ભાજપા પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, ભાજપવાળા અને કોંગ્રેસવાળા અગ્રવાલ સમાજથી નફરત કરે છે. જ્યારે સુશીલ ગુપ્તા અને એન.ડી. ગુપ્તાની રાજ્યસભા ઉમેદવારીની ઘોષણા આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી ત્યારે ભાજપ તરફથી વિરોધના સૂર ઉઠ્યા હતા. આ મામલે બોલતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મેં પૂછ્યું કે સુશીલ ગુપ્તામાં કંઈ ખોટ છે. તો તેમણે કહ્યું કે નથી. મેં ફરી એમને પૂછ્યું શું એનડી ગુપ્તામાં કોઈ ખોટ છે તો પણ તેમણે ના પાડી પછી મેં પૂછ્યું એવી કંઈ સમસ્યા છે. ત્યારે તેમણે કહ્યું કે બે ગુપ્તાને ટિકિટો આપી. મેં કહ્યું કે સમસ્યા આ છે કે તમે અગ્રવાલ સમાજથી નફરત કરો છો. ભાજપ અને કોંગ્રેસવાળા અગ્રવાલ સમાજથી નફરત કરે છે. મેં કહ્યું હું ઊભો છું તમારી સામે. તેઓ ઈચ્છે છે કે, અમે ટિકિટને કેન્સલ કરે. મેં કહ્યું કે, તમારો બાપ પણ ટિકિટ કેન્સલ ન કરાવી શકે. નોંધનીય છે કે સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તાને રાજ્યસભા સાંસદ બનાવવા માટે વૈશ્ય સમાજ તરફથી કેજરીવાલ માટે આભાર પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રવિવારના રોજ ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં થયો હતો. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રીએ આ વાત કહી હતી.