ગાંધીનગર, તા.૧૦
ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા શિયાળુ સત્રમાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયક પસાર થતા હવે પરિવર્તનીય વિસ્તારો એટલે કે, સૂચિત સોસાયટીના મિલકત ધારકોના દાવા પ્રમાણપત્રની મુદ્દત ૯૦ દિવસથી વધારીને ૩૬પ દિવસ કરી દેવાઈ છે તેમજ માંડવાળી ફી સહિતની રકમ ચાર સરળ હપ્તામાં ભરવાની સવલત પણ પૂરી પાડવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯માં તૃતિય સુધારા વિધેયક-૨૦૧૯ મહેસૂલમંત્રી કૌશિક પટેલે રજૂ કર્યું હતું. મંત્રીએ વિધેયક વિશે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ઔદ્યોગીકરણ અને શહેરીકરણનો વ્યાપ ઝડપથી વધતા કાયદાકીય જરૂરી હોય તેવી મંજૂરીઓ (બિનખેતી પરવાનગી વગેરે) લીધા વિના ખાનગી જમીનો પર રહેણાંક અને ઔદ્યોગિક હેતુથી કરવામાં આવેલ વિકાસ, ફેરફારના રજીસ્ટરમાં અને હક્કપત્રકમાં જમીન ધારણ વગેરે અંગેની ખરેખરી સ્થિતિ નહીં દર્શાવાને કારણે જમીન પરના અપૂર્ણ હક્ક, માલિકી હક્ક, હિત સંબંધના અનેક પ્રશ્નો ધ્યાન પર આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે જમીન મહેસૂલ કાયદામાં પરિવર્તન લાવીને વર્ષ ૨૦૧૭ના વિધેયકથી કાયદાના અમલમાં સામાન્ય લોકોને પોતાના હક્ક/હિતો રેકર્ડ પર નોંધવા માટે પડતી સમસ્યા જેવી કે, માંડવાળ ફી અને અન્ય રકમોને ૯૦ દિવસમાં ભરવા અંગેની જોગવાઈ કરવામાં આવી હતી.
મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, નાના મિલકત ધારકોને પોતાના મિલકતના હક્કો રેકોર્ડ ઓફ રાઈટ્‌સમાં નોંધાવી શકે, મિલકતના દાવેદારોને આ કાયદાનો લાભ બહોળા પ્રમાણમાં મળે તેવા બહુવિધ હેતુથી તથા જરૂરી નાણાં ભરવામાં સવલત રહે તે માટે કાયદામાં ૯૦ દિવસમાં એક જ હપ્તામાં નાણાં ભરવાની જોગવાઈ છે તેમાં મહત્ત્વનો સુધારો લાવીને સુધારણાના કાયદામાં માંડવાળ ફીની રકમ ભરવાનો સમયગાળો ૯૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ કરવામાં આવ્યો.
વધુમાં આ સુધારણા વિધેયક દ્વારા માંડવાળ ફીની રકમ અને અન્ય ફી રકમ ભરવા સવલત કરી આપી ૩૬૫ દિવસમાં સરળ ચાર હપ્તામાં નાણાં ભરી શકે તેવી જોગવાઈ આ બીલમાં કરવામાં આવેલ છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે પરિવર્તનીય વિસ્તારોની જમીનો નિયમિત કરવા અંગેના કાયદામાં સંબંધિત સમય (રીલેવન્ટ પીરિયડમાં) તા.૧/૧/૨૦૦૦ હતો. જેમાં તા.૨૮/૨/૨૦૧૯ના જાહેરનામાંથી આ સમયગાળો તા.૧/૧/૨૦૦૫ સુધી લંબાવવામાં આવ્યો છે.