અમદાવાદ,તા.૩૦
તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ થનાર સંપૂર્ણ ચન્દ્રગ્રહણ ભારત સહિત એશિયા, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, વગેરે સ્થળોએ દેખાશે. કર્ક રાશીમાં થનાર ગ્રહણ ૨૦૧૮નાં વર્ષનું પ્રથમ ગ્રહણ છે. આ ચન્દ્રગ્રહણ ૩૧મીની સાંજે ૦૫-૧૮ કલાકે શરૂ થઈ રાત્રે આઠ વાગીને ૪૧ મિનિટે પૂર્ણ થશે. આ વખતે સુપર મૂન, રેડ મૂન, અને બ્લુ મૂનનો અનોખો ત્રિવેણી સંગમ હોઈ સામાન્ય જન તેમજ ખગોળ શોખીનો ગ્રહણ નિહાળવા ખૂબ જ ઉત્સાહિત છે.
આ બાબતે વધુ માહિતિ આપતાં કચ્છ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય સંયોજક અને કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું કે તા. ૩૧ના સાંજે ૦૫ઃ૧૮ કલાકે ચંદ્ર પૃથ્વીની ઘેરી છાયામાં પ્રવેશ કરશે અને ગ્રહણની શરૂઆત થશે. સમુર્ણ ચંદ્ર ગ્રહણની શરૂઆત ૦૬ કલાકને ૨૧ મિનિટે થશે પરંતુ તે સમયે ચંદ્ર હજી ઉગ્યો નહિ હોવાથી બંને ઘટના જોવા મળશે નહિ. ચંદ્રનો ઉદય દરેક સ્થળોએ અલગ અલગ સમયે થશે. ગુજરાતમાં સાંજે ૦૬ઃ૩૦ની આસપાસ ચંદ્ર ઉદય થશે ત્યારે સંપૂર્ણ ઘેરાયેલો ચંદ્ર જોવા મળશે. આ ઘટનાને ખગોળની ભાષામાં ગ્રસ્તોદિત ચંદ્રોદય કહેવામાં આવે છે. સૂર્યાસ્ત થતાં અને થોડું અંધારૂ થતાં રક્તવર્ણ, સુપર મૂન પૂર્વ ક્ષિતિજે તુરંત જ ધ્યાન ખેંચશે.
સૂર્યગ્રહણને નિહાળવા માટે ખાસ સાવધાનીઓ રાખવી પડતી હોય છે તેમજ નરી આંખે ન જોવાની સલાહ આપવામાં આવતી હોય છે પરંતુ ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે તેમજ ચંદ્રગ્રહણને સારી રીતે જોવા માટે દૂરબીન કે ટેલીસ્કોપનો ઉપયોગ પણ કરી શકાય છે. તેમજ કેમેરા કે મોબાઈલની મદદથી ફોટોગ્રાફી પણ કરી શકાય છે.
કચ્છ તેમજ ગુજરાતના ખગોળ શોખીનો તેમજ ગ્રહણને સાચી રીતે સમજનાર લોકો ગ્રહણને ખગોળીય ઘટના તરીકે જોતા હોવાથી તા. ૩૧ જાન્યુઆરીના સંપૂર્ણ ચંદ્ર ગ્રહણના વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ ફોટોગ્રાફી માટે ખુબ ઉત્સાહિત છે. આ ચંદ્રગ્રહણ વખતે સુપર મૂનની ઘટના પણ બનતી હોઈ ખગોળ શોખીનોમાં અનેરો ઉત્સાહ વર્તાય છે.