(એજન્સી) મુંબઇ,તા. ૧૪
શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કારોબાર બંધ રહ્યા બાદ ભારે અફડાતફડી જોવા મળી હતી. કારોબારની શરૂઆતમાં સુધારો થયા બાદ ઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ ૧૪૫ પોઇન્ટ ઘટીને ૩૪૧૫૬ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૦૧ની નીચી સપાટી પર રહ્યો હતો. પંજાબ નેશનલ બેંકની મુંબઇ શાખામાં હજારો કરોડના કોૅભાડ બાદ તેની અસર બજાર પર રહી હતી. દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકના શેરમાં ૧૦ ટકાનો કડાડો બોલી ગયો હતો. નિફ્ટી આજે ૩૯ પોઇન્ટ ઘટીને બંધ રહેતા કારોબારીઓમાં તેની ચર્ચા જોવા મળી હતી. એશિયન શેરબજારમાં મિશ્ર સ્થિતી જોવા મળી હતી. સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૮ માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો બુધવારના દિવસે જારી કરાશે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૩.૫૮ ટકા હતો. નવેમ્બર મહિનામાં ૩.૯૩ ટકા રહ્યો હતો જ્યારે ગયા વર્ષેે ડિસેમ્બર ૨.૧ ટકા રહ્યો હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી હાલમાં વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.