(એજન્સી)
નવી દિલ્હી, તા.પ
ભારત અને અમેરિકી સેનાના સંયુક્ત અભ્યાસ દરમિયાન અમેરિકી તોપ એમ ૭૭૭ અલ્ટ્રા લાઈટ હોવિત્જરનું નાળચું ફાટી ગયું. આ અભ્યાસ બંને દેશોની સંયુક્ત તપાસ ટુકડીની દેખરેખ હેઠળ પોખરણમાં આવેલ ફાયરિંગ રેન્જમાં ચાલી રહ્યો હતો. આ દુર્ઘટના બાદ અમેરિકી અને ભારતીય સૈન્ય અધિકારીઓની વચ્ચે આરોપ-પ્રતિઆરોપ શરૂ થઈ ગયા. અમેરિકી સુરક્ષા વિભાગના અધિકારીઓએ ભારતીય દારૂગોળામાં ખામી દર્શાવી અને કહ્યું કે, આર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડ તરફથી યોગ્ય રીતે વિસ્ફોટક તૈયાર કરવામાં આવી રહ્યા નથી. આ આરોપોને ભારતીય સેનાએ પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે.
હકીકતમાં, ભારતે નવેમ્બર ર૦૧૬માં ઉત્તરીય અને પૂર્વીય સરહદોના પહાડો પર તૈનાત કરવા માટે ૧૪પ એમ ૭૭૭ અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપો ખરીદવાનો કરાર કર્યો હતો. ૧૯૮૦ના દાયકામાં સ્વીડિશ બોફોર્સ તોપો બાદ આ પહેલો મોટો કરાર હતોફ બોફોર્સ તોપોને લઈને પહેલેથી જ દેશમાં રાજકીય વિવાદ પેદા થઈ ચૂક્યો છે. પ૦૭૦ કરોડ રૂપિયામાં અમેરિકા સાથે થયેલા આ કરાર બાદ ભારતને તોપોનો પુરવઠો ર૦ર૧ સુધીમાં પૂરો પાડવામાં આવશે. આમાં બે એમ ૭૭૭ તોપો ગત વર્ષે મેમાં ભારત આવી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ર સપ્ટેમ્બર, ર૦૧૭ના રોજ ઘટી હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે અમેરિકામાંથી મળેલી બેમાંથી એક તોપને મારો કરવામાં સામેલ કરવામાં આવી છે. પાંચમી વખત મારો કરતી વખતે તોપનું નાળચું અચાનક ફાટી ગયું. જેઆઈસીમાં સામેલ ભારતીય ઓર્ડિનેન્સ ફેક્ટરી અને સેનાના અધિકારીઓ, અમેરિકી સુરક્ષા વિભાગે કારણોની તપાસ શરૂ કરી. અત્યાર સુધીમાં જેઆઈસીની પાંચ બેઠકો યોજાઈ ચૂકી છે, પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો કે યોગ્ય વિસ્ફોટક તૈયાર નહોતા, જેનો ભારતીય અધિકારીઓએ અસ્વીકાર કર્યો છે.