(એજન્સી) તા.૭
સેનાની વર્ધીમાં દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં ભાગ લેનાર સેનાના એક જવાનને સુરક્ષા સંસ્થાઓ અને લશ્કરી ગુપ્તચરે ઓળખી કાઢ્યો છે. સોશિયલ મીડિયાથી લઇને અખબારો અને ટીવી ચેનલો પર પ્રસિદ્ધ થયેલ તસવીરના આધારે એજન્સીઓએ આ જવાનને ઓળખી ક્ઢ્યેા છે. આ જવાન પંજાબના ભટીંડાનો રહેવાસી છે જે હાલ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં તૈનાત છે. જવાન અને તેની રેજીમેન્ટની ઓળખને જાહેર નહીં કરવા માટે આ જવાનનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
મિલીટરી ઇન્ટેલિજન્સે જે તસવીરના આધારે આ જવાનની ઓળખ શરુ કરી હતી તેમાં તે એક પ્લે કાર્ડ લઇને એક પ્રદર્શનમાં બેઠેલો દેખાતો હતોે. આ પ્લે કાર્ડમાં લખ્યું હતું કે મારા પિતા કિસાન છે, જો તેઓ એક આતંકવાદી હોય તો હું પણ આતંકવાદી છું. સેનાના અધિકારીઓએ આ પ્લે કાર્ડ અને પ્રદર્શનમાં વર્ધી પહેરીને સામેલ થવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભલે આ જવાન રજા પર ઉતરીને પણ દેખાવમાં સામેલ થયો હતો પરંતુ સૈન્યના નિયમો અનુસાર તેની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી થઇ શકે છે અથવા તો આર્મી કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવી શકે છે.
ઓડિશામાં રુરકેલા સ્ટીલ પ્લાન્ટ ખાતે ગેસ ગળતર બાદ ચારનાં મોત
બુધવારે રુરકેલા સ્ટીલ પ્લાન્ટ ખાતે ઝેરી ગેસ લીક થવાના પગલે ચાર કોન્ટ્રેક્ટ મજૂરોના મોત થયાં હતાં. રુરકેલા સ્ટીલ પ્લાન્ટના કોલ કેમિકલ વિભાગમાં કામ કરતા મેસર્સ સ્ટાર કન્સ્ટ્રક્શનના ચાર કામદારોનો ગેસ ગળતરને કારણે બીમાર પડેલા ૧૦ કરતાં વધુ લોકોમાં સમાવેશ થતો હતો.
દિલ્હીમાં ભૂકંપના ભયસ્થાનની સમીક્ષા કરવા સર્વે
દિલ્હી એનસીઆરમાં ગઇ સાલ ઓછી તીવ્રતાવાળા ભૂંકપના શ્રેણીબદ્ધ આંચકાઓના પગલે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી સમગ્ર એનસીઆરમાં એક અનોખા પ્રકારનો ઝિયોફિઝીકલ સર્વે હાથ ધરી રહી છે કે જેથી સમગ્ર પ્રદેશમાં ધરતીકંપનું સંભવિત જોખમ કેટલું છે તે જાણી શકાય. તેના તારણો ભૂકંપ પ્રતિરોધક ઇમારતો, ઔદ્યોગિક એકમો, હોસ્પિટલો, શાળાઓની ડિઝાઇન તૈયાર કરવામાં જુદી જુદી યુઝર એજન્સીઓને મદદરુપ થશે.