(એજન્સી) જમ્મુ, તા.૨૧
આતંકવાદ વિરોધી દિવસ પર જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાંસલ થઇ છે. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ત્રણ આતંકવાદી પકડાયા છે. આતંકવાદીઓ સાથે પૂછપરછ ચાલી રહી છે. આ આતંકવાદીઓની ધરપકડ બાદ કેટલાય અગત્યના ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઑપરેશન સેનાની ૨૮ આરઆર દ્વારા સફળ બનાવવામાં આવ્યું છે.
કુપવાડામાં સુરક્ષાદળોને સૂચના મળી હતી કે સોગમ વિસ્તારના જંગલ ક્ષેત્રમાં આતંકવાદી ઘુસ્યા છે. જવાનોએ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યુ. આ દરમિયાન ત્રણ આતંકવાડીઓને ઝડપી પાડ્યા. થોડાક દિવસ પહેલા જ આ ત્રણ આતંકવાદીઓની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. ત્યારબાદથી સુરક્ષા ટીમ સતર્ક બની હતી.
દર વર્ષે મનાવવામાં આવતો આતંકવાદ વિરોધી દિવસ આ વર્ષે આજે બંધ રૂમમાં મનાવવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ દિવસ પર નિવારક પગલાં લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સર્ક્યુલર અનુસાર સૂચિત કરવામાં આવ્યુ છે કે ૨૧મે ના રોજ તમામ સરકારી કાર્યાલય, સાર્વજનિક સંસ્થાઓમાં આતંકવાદી વિરોધની પ્રતિજ્ઞા લેવામાં આવી શકે છે.
આયોજકોની સુરક્ષા તેમજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સાર્વજનિક સભાને ટાળવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ અધિકારીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ઘરે અથવા ઑફિસમાં આતંકવાદ વિરોધની પ્રતિજ્ઞા લેશે.

પુલવામામાં આતંકી હુમલો
એક જવાન શહીદ

(એજન્સી) પુલવામા, તા.૨૧
પુલવામામાં પોલીસ અને સીઆરપીફની ટુકડી પર આતંકવાદીઓએ ગુરુવારે બપોરે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાનના શહીદ થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્રણ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી એક હાલત ગંભીર છે.