(એજન્સી)

નવી દિલ્હી , તા.૨૯

હાલ સમગ્ર દુનિયા કોરોના વાયરસની રસી શોધવામાં વ્યસ્ત છે. અત્યાર સુધી કોરોનાની સારવાર માટે કોઈ કારગત દવા શોધી શકાઈ નથી. એવી સ્થિતિમાં બેગ્લુરૂની એક કંપનીએ કોવિડ-૧૯ના મુકાબલા માટે એક ઉપકરણ બનાવ્યું છે. જેથી નવી  આશા જન્મી છે. દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસને એક ડિવાઈસની મદદથી પરાજિત કરી શકાશે. આ ઉપકરણનું નામ સ્કેલેન હાઈપરચાર્જ કોરોના કૈનન રાખવામાં આવ્યું છે. જે કોરોના વાયરસના પ્રસારને કાબૂ કરતું એક ઉપકરણ છે. આ ડિવાઈસને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન યુનિયનની મંજૂરી મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. બેંગ્લુરૂની ડી સ્કેલેન કંપની દ્વારા આ ઉપકરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપકરણને એક નાનકડા ડ્રમની જેમ બનાવવામાં આવ્યું છે. જેથી તેને સરળતાથી ઓફિસ, સ્કૂલો, મોલ, હોટલ, વિમાન મથક ખાતે જંતુ મુક્ત સપાટી માટે બેસાડી શકાય. દાવો કરવામાં આવ્યો હતો કે આ ઉપકરણની મદદથી કોરોના વાયરસમાં હાજર સ્પાઈક-પ્રોટીન અથવા એસ-પ્રોટીનની અસર સમાપ્ત કરવામાં ૯૯.૯ ટકા અસરકારક છે. અલબત્ત આ મામલે એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ ઉપકરણ સંક્રમિત દર્દીને રોગ મુક્ત નથી કરી શકતું. આ માત્ર કોરોના વાયરસનો ફેલાવો અટકાવે છે. કોઈ રૂમમાં આ ડિવાઈસ લગાવાથી તે સંક્રમિત વ્યક્તિ દ્વારા ખાંસી, છીંક વગેરેમાંથી નીકળતાં વાયરસને તુરંત મારી નાંખે છે. આ જમીન પર હાજર વાયરસને પણ બેઅસર કરી દે છે. આવી રીતે હવા અથવા જમીન પરથી કોરોનાના ફેેલાવાને ઘટાડી શકાય છે. ડોકટર રાજાહ વિજય કુમારે જણાવ્યું હતું કે તેમને કોવિટ-૧૯ આરોગ્ય ઈમરજન્સીની સ્થિતિ માટે એક નિર્દેશ હેઠળ યુએસ એફડીએને મંજૂરી મળી છે.