અમરેલી,તા.ર
અમરેલી નગરપાલિકા દ્વારા લોકડાઉનમાં સતત કાર્યરત પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સફાઈકર્મીઓ સાથે ૨૪ કલાક કાર્યરત કર્મીઓના આરોગ્યની તકેદારી માટે અતિ આધુનિક સેનેટાઝિંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પોલીસ કર્મીઓ, આરોગ્યકર્મીઓ સાથે અનેક લોકો પોતાના જીવના જોખમે પણ સુરક્ષા માટે ૨૪ કલાક પોતાની ડ્યુટી પર હાજર રહે છે. આવા લોકોને જીવાણુ મુક્ત કરવા અમરેલી નગરપાલિકાએ એક નવતર પહેલ કરી છે. જેમાં પ્રવેશ કરતાં જ માણસનું સંપૂર્ણ શરીર સેનેટાઈઝ પામે છે, અને જીવાણુંમુક્ત થાય છે.
નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, ઈટાલીના આ પ્રકારના મશીન પરનો વીડિયો જોઈ અમને પ્રેરણા મળી અને માત્ર ૩૬ કલાકમાં જ અમે સેનેટાઇઝિંગ ટનલ બનાવી છે. અમરેલીના પરમાર મિકેનિકલ વર્કસના યુવા એન્જીનીયરોના સંપર્કમાં રહી અને કલેકટરના તેમજ નગરપાલિકા સદસ્ય ગણના માર્ગદર્શન પ્રમાણે તેમજ આરોગ્ય વિભાગના સૂચનો પ્રમાણે તાત્કાલિક ધોરણે અદ્યતન સેનેટાઈઝીંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની લંબાઈ ૧૨ ફૂટ છે. બહારની તરફ પમ્પ લગાડેલો છે તેમજ ફક્ત ૧૨ ડી.સી.કરંટનું વીજ કનેક્શન છે. આ ટનલમાં ૨૪ કલાક પાણી તેમજ સેનેટાઈઝરની સપ્લાય મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.
ફરજ પરથી ઘરે પર જતાં પૂર્વે ૧૨ ફૂટની આ ટનલમાં પ્રવેશ કરતાંની સાથે જ પાંચ સેકન્ડમાં લોકોનું શરીર જીવાણુઓ મુક્ત થઇ જશે. આ ટનલમાં પ્રતિમિનિટે એક લીટર સેનેટાઇઝરનો વપરાશ કરવામાં આવે છે. સેન્સર દ્વારા વ્યક્તિના પ્રવેશ કરતાંની સાથે જ ટનલમાં પમ્પ કાર્યરત થઈ જાય છે.
કોરોનાની મહામારી વચ્ચે તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ આરોગ્ય સાથે સંકળાયેલ સ્થળો પર આ પ્રકારની સેનેટાઇઝિંગ ટનલ મૂકવામાં આવે તો ૭૦ ટકા ખતરો ટળશે. ઓછા ખર્ચે આરોગ્ય સામે રક્ષણ મેળવવા સૌએ આ પ્રકારના મશીન અપનાવવા ઇચ્છનીય છે.