સુરત, તા.૨૪
નવાપુરા ગોલવાડમાં સોમવારે સાંજે નવા બંધાતા મકાનના ત્રીજા માળ પરથી સેન્ટીંગની પ્લેટો કાઢતી વખતે પ્લેટ સાથે મજૂર નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે મજૂરોને કોઈપણ પ્રકારની સેફ્ટી વગર કામ કરાવનાર કોન્ટાકટર સામે પોલીસે ઇજાગ્રસ્ત મજૂરની પત્નીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો છે.
મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સલાબતપુરા ઈન્દરપુરા ગઘેવાન ખાતે રહેતા મો.આરીફ અબ્દુલ લતીફ બાંધકામ કોન્ટ્રાકટરનું કામકાજ કરે છે. મો.આરીફે નવાપુરા ગોલવાડ ખાતે નવું મકાનનો કોન્ટ્રાકટ રાખ્યો હતો અને સોમવારે મકાનના ત્રીજા માળેથી મજૂરો મારફતે સેન્ટીંગ પ્લેટો કઢાવતો હતો તે વખતે પ્લેટો સાથે ભુરાસિંગ ડામોર નામના મજૂર પ્લેટ સાથે નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. મો.આરીફે સેન્ટીંગ પ્લેટો કાઢતી વખતે કોઈપણ પ્રકારની જાળી, પાલખ, સેફ્ટી બેલ્ટ કે દોરડા, રસ્સાઓની વ્યવસ્થા કરી ન હતી અને માણસોને ગંભીર પ્રકારની ઇજા કે મુત્યું થઈ શકે તેવુ જાણવા છતાં મકાનના ત્રીજા માળે નવા બાંધેલા સ્લેબની પ્લટો મજૂરો પાસે કઢાવતો હતો તે વખતે ભુરાસિંગ નીચે પટકાતા ઇજા પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત ભુરાસિંગ ધના ડામોરની પત્નીની ફરિયાદ લઈ કોન્ટ્રાકટર મો.આરીફ લતીફ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.