ગાંધીનગર, તા.૩
કોરોનાની મહામારીમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા અમદાવાદ પોલીસે કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અમદાવાદ પોલીસે એક નવતર પહેલ શરૂ કરી છે. જેમાં લોકોના ટોળા ભેગા થતા હોય તો તેની પર નજર રાખવા સેન્ટ્રલાઈઝ ડ્રોનના માધ્યમથી સમગ્ર શહેરમાં ડિજિટલ સર્વેલન્સ કરાશે. જેમાં ગુગલનો પણ ઉપયોગ કરીને સર્વેલન્સમાં જ્યાં ભીડ જણાશે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને સીધી સૂચના આપીને ભીડ ભેગી થતી અટકાવવાની કામગીરી કરાશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં શહેરભરના ૧૧૦૦ સૌથી વધુ કેમેરાની ફીડ મેળવીને તેના આધારે શહેરમાં એકઠા થતા લોકોની ભીડ નિવારાય છે. સેન્ટ્રલાઇઝ ડ્રોન અને કમાન્ડ સેન્ટર દ્વારા કાર્યરત ચાર ડ્રોનની મદદથી સમગ્ર શહેરની વિગતો મેળવાય છે અને આર્ટિફીશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી ઉર્ૐં ના નોર્મ્સ પ્રમાણે એક બીજા વચ્ચે ૧.૫ મીટરનું અંતર જાળવે છે કે નહી તે તપાસ દૂર બેઠા એટલે કે સેન્ટરમાં બેઠા બેઠા તપાસ કરી શકાય છે. શહેર પોલીસ દ્વારા ડિજિટલ પેટ્રોલિંગની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. આ કંટ્રોલ રૂમમાંથી મહત્તમ ટ્રાફિક ધરાવતા વિસ્તારો લાલ રંગથી, થોડોક ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો ઓરેન્જ અને ન્યૂનતમ અથવા તો અત્યંત ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારો લીલા રંગથી આઇડેન્ટીફાઇ કરવામાં આવે છે અને તેને આધારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને સીધી સુચના આપી લોકોને એક્ઠા થતા રોક્વામાં આવશે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ડિજિટલ પેટ્રોલિંગની કામગીરી તથા તેનાથી થતાં ફાયદા અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં મૂકાયેલા સી.સી.ટી.વી કેમેરા અને જ્યાં કેમેરા નથી ત્યાં ગુગલના માધ્યમથી આ સર્વેલન્સ હાથ ધરાય છે. આમ જાહેર માર્ગો પર પોલીસ દ્વારા તથા ટેકનોલોજીના માધ્યમથી પણ આ પહેલ કરાઈ છે. ત્યારે રાજ્યમાં ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ દ્વારા પ્રસ્થાપિત કરાયેલા નેટવર્કનો પણ ઉપયોગ કરાશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યનો એક એક પોલીસ જવાન તથા અન્ય દળના જવાનો પોતાના ઘર-પરિવારની ચિંતા કરવાના બદલે લોકડાઉનના ચુસ્ત અમલ દ્વારા લોકોના સ્વાસ્થ્ય-જાનની ચિંતા કરી રહ્યા છે ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ તેમને સહયોગ આપવો જોઈએ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, જીઓ ટેગીંગ અને એરિયલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ભીડ એકઠી થતી અટકાવવા આ વ્યવસ્થા અમલી બનાવાઈ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રોનની મદદથી પણ લોકડાઉનનો અમલ કરાય છે. રોજ ૮ જેટલા ડ્રોન દ્વારા આ કામગીરી હાથ ધરીને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પ્રયાસ કરાય છે. આ દેખરેખ દ્વારા રોજના ૭-૮ જેટલા જાહેરનામા ભંગના કેસ કરવામાં આવે છે શહેરીજનોએ પણ લોકડાઉનનો અમલ કરવામાં સહયોગ આપવા તેમણે અપીલ કરી છે.