(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧ર
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ગંભીર છે. સેમેસ્ટર પ્રથાના અમલ બાદ શિક્ષણની સ્થિતિ સાવ ખાડે ગઈ હોવાના આક્ષેપ સાથે આગામી દિવસોમાં ઓલ ઈન્ડિયા ડીએસઓ દ્વારા શિક્ષણલક્ષી આંદોલન સાથે વિવિધ કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશન વડોદરાના સેક્રેટરી ગિરીશ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષોથી સેમેસ્ટર પ્રથાના અમલ બાદ શિક્ષણની સ્થિતિ બગડી છે. જેના પગલે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો પણ હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા સેમેસ્ટર પ્રથા અંગે નિર્ણય લેવા ફેરવિચારણા માટે કમિટી પણ બનાવવામાં આવી હતી. પરંતુ આઠ વર્ષોમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી. ઓલ ઈન્ડિયા ડીએસઓ દ્વારા સેમેસ્ટર પ્રથાની વિરોધમાં ચલાવવામાં આવી રહેલ આંદોલન હવે વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જેના પગલે સેમેસ્ટર પ્રથાના વિરોધમાં કમિટીના સભ્ય હોવાના નાતે ભાવનગર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી તથા સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓને આવેદનપત્ર, શિક્ષણમંત્રીથી લઈ મુખ્યમંત્રીને રજૂઆત, પોસ્ટકાર્ડ ઝુંબેશ, પોસ્ટ કેમ્પેન, દેખાવો સહિતના કાર્યક્રમો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ પણ ગિરીશ પરમારે જણાવ્યું હતું.