મુંબઈ,તા.૩૧
કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં જનજીવન થંભી ગયું છે. લોકડાઉન દરમિયાન લોકોએ પોતાને ઘરની અંદર પૂરી દીધા છે. દરેક જવાબદાર નાગરિક આ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. પરંતુ આઈસોલેશનના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને આ અંગે માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમ પેને કહ્યું કે, તેની કારમાંથી વૉલેટ(પાકીટ) ચોરી થઈ ગયું છે. પેને પોતાની કાર ગેરેજમાંથી કાઢીને શેરીમાં પાર્ક કરી હતી. ટિમ પેન હાલ સેલ્ફ આઇસોલેશનમાં છે. લોકડાઉનના કારણે તે જીમ પણ નથી જઈ શકી રહ્યો. તેથી તેને ગેરેજમાં જીમ બનાવવાનો નિર્ણય કર્યો અને તે માટે પોતાની કાર ગેરેજમાંથી કાઢીને ગલીમાં પાર્ક કરી હતી. પરંતુ સડક પર પાર્ક કરેલી કારમાંથી કોઈ શખ્સ પેનનું પાકીટ ચોરી ગયો. રિપોર્ટ પ્રમાણે ટિમ પેને કહ્યું કે જ્યારે તેને ઘરની બહાર જોયું તો તેની કારનો દરવાજો ખુલ્લો હતો અને તેનું વોલેટ ગાયબ હતું. તેના ક્રેડિટ કાર્ડથી ચોરે ખરીદી પણ કરી. જેનો મેસેજ પેનના મોબાઇલ પર આવ્યો. આપણે જણાવી દઈએ કે કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ્‌સ હાલ રદ કરવામાં આવી છે.