(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
સેવાસી ગામમાં આવેલી સોસાયટીઓ રેગ્યુલાઇઝ નહીં થતા આજે આ સોસાયટીનાં રહીશોએ મોરચો કાઢી વુડા કચેરીએ પહોંચ્યા હતા તથા ભારે હોબાળો મચાવી વુડા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સેવાસી ખાતે આવેલી સુર્યનગર, ચંદ્રનગર, ખોડિયારનગર, હિરાબાનગર, જય અંબેનગર, બાલાજી નગર સહિતની સોસાયટીઓ વુડા દ્વારા રેગ્યુલાઇઝ કરવામાં નહીં આવતા આ સોસાયટીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે. વારંવાર રજુઆતો છતાં વુડા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા સોસાયટીનાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓને રેગ્યુલાઇઝ કરવા રહિશો દ્વારા ૨૦૧૧માં ઇમ્પેકટ ફી પણ ભરી દેવામાં આવી છે તથા સેવાસી ગ્રામ પંચાયતમાં નિયમિત વેરો ભરવામાં આવે છે. છતાં પણ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત તરફથી કોઇ સુવિધાઓ નહીં મળતા આજે આ સોસાયટીનાં રહિશો વુડા કચેરીએ પહોંચ્યા હતા. તેમજ ભારે હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ વુડા ચેરમેનને રજુઆત કરી હતી.