(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૦
વડોદરા જિલ્લાના પાદરાનગરની મધર્સ સ્કુલના વિદ્યાર્થીઓ સેવાસી ખાતે આવેલ રીસોર્ટમાં પ્રવાસે આવ્યા હતા. તે વખતે હેલિકોપ્ટર રાઇડ તૂટી પડતાં ૬ વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતને પગલે વિદ્યાર્થીના વાલીઓને ગભરાટની લાગણી ફેલાઇ જવા પામી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પાદરા નગરની મધર્સ સ્કુલના વિદ્યાર્થીઓને આજે વડોદરા તાલુકાના સેવાસી પાસે આવેલ ફન પાર્કમાં પ્રવાસ માટે લાવવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ ફનપાર્કમાં વિવિધ રમત રમતા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ફનપાર્કમાં આવેલ હેલિકોપ્ટર રાઇડમાં બેઠા હતા. રાઇડ શરૂ થતા અચાનક રાઇડ તૂટી પડતા ૬ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેઓને ઇજાઓ પહોંચી હતી. રાઇડ તૂટી પડવાના અવાજને પગલે વિદ્યાર્થીઓની બૂમોથી અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે સુભાનપુરાની ખાનગી સ્કુલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગેની જાણ વિદ્યાર્થીઓને વાલીઓને થતા વાલીઓના જીવ ટાળવે ચોંટયા હતા. અને તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોતાના બાળકોને હોસ્પિટલમાં સહિત સલામત જોતા રાહતનો શ્વાસ લીધો હતો.