(એજન્સી) નવી દિલ્હી,તા.૩
ભારતે સેશેલ્સની સાથે ર૦ વર્ષનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ સેશેલ્સમાં ભારતીય સેનાઓ માટે એક હવાઈ પટ્ટી અને જેટીનું (પાણીના જહાજોને રોકવા માટેનો ઘાટ) નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમાચાર મુજબ હિન્દ મહાસાગરમાં દુનિયાના વ્યસ્ત જહાજ માર્ગની પાસે જ જિબુતીમાં ચીનની આ પ્રકારની સૈન્ય છાવણીની સ્થાપના કરવામાં આવી છે. તેનાથી ભારતમાં અસુરક્ષાની ચિંતા જોવા મળી રહી છે અને જવાબી પગલાં તરીકે તે પણ સેશેલ્સમાં સૈન્ય છાવણી બનાવી રહ્યો છે. ભારતની આ યોજનાને સેશેલ્સના કેટલાક રાજ નેતાઓએ સમર્થન આપ્યું છે. જયારે તેના કેટલાક લોકોએ આ બાબતનો વિરોધ પણ કર્યો છે.
વર્ષ ર૦૧પમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે સેશેલ્સની મુલાકાત લીધી હતી. ત્યારે આ કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી અત્યાર સુધી તેની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે.
વિકટોરિયા આધારિત સેશેલ્સની સરકારે કહ્યું કે આ સૈન્ય છાવણી બન્યા બાદ ૧.૩ મિલિયન ચોરસ કિ.મી.ના ઝોનમાં ગેરકાયદેસર રીતે થતી માછીમારી, ડ્રગ્સની તસ્કરી વગેરેનું પેટ્રોલિંગ કરવામાં સરળતા રહેશે. તાજેતરમાં અંતરિયાળ આઈસલેન્ડમાં હવાઈ પટ્ટી આવેલી છે. કે જેના ૭ કિ.મી. સુધીના વિસ્તારમાં કોઈ પણ મનુષ્ય વસવાટ કરતો નથી અને તે દરિયાના સ્તરથી આશરે ૩૦ મીટરની (૧૦૦ ફુટ) ઉંચાઈ પર આવેલ છે.
ભારત પપ૦ યુ.એસ. મિલિયન ડોલરનું રોકાણ કરીને તેના દક્ષિણ ભારતીય સાગરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માગે છે અને એવું પણ જણાવાયું છે કે આ છાવણી બન્યા બાદ માત્ર ભારત માટે જ નહીં પરંતુ અન્ય શિપીંગ રાષ્ટ્રો માટે પણ તે સ્ત્રોત સાબિત થશે.
સેશેલ્સના વિદેશ રાજય મંત્રી બૈરી ફોરેએ જણાવ્યું કે ભારત અમારી નિઃશુલ્ક મદદ કરી રહ્યો છે અને તેના બદલામાં અમે પણ તેને કેટલીક સુવિધાઓ આપી રહ્યા છે. પરંતુ તે તમામ સુવિધાઓ સંપૂર્ણ રીતે સેશેલ્સના નિયંત્રણ અને તેના કાયદાની મર્યાદામાં રહેશે. ભારતને કંઈ પણ ભાડા પટ્ટે આપવામાં આવ્યું નથી પરંતુ ભારત પાસેથી સેશેલ્સને તેના ૧૩ લાખ વર્ગ કિ.મી.માં ફેલાયેલા આર્થિક ક્ષેત્રના વિકાસમાં મદદ મળશે.