(એજન્સી) તા.૮
લદ્દાખમાં ચીન સામે ગૌરવહીન શરણાગતિ બદલ પુર્વ સૈન્ય અધિકારી અજય શુકલાએ સરકારની ટીકા કરી હતી. શુકલાએ ટવીટ કરી પત્રકારોને ચીન સાથેના સરહદી વિવાદ પર રિપોર્ટિંગ ન કરવાનું કહેવા બદલ પણ સરકારની ટીકા કરી હતી. શુકલાએ લખ્યું હતું કે ચીને લદ્દાખમાં સરહદી ફેરફાર કરી ભારતના વિસ્તારો પર કબજો જમાવ્યો છે અને નવી દિલ્હી લાંબુ અંતર જાળવવાની અને સૈન્ય તેમજ રાજદ્વારી મંત્રણાની વાત કરે છે જો શરણાગતિ સ્વીકારવી જ હોય તો માઉન્ટેઈન સ્ટ્રાઈક કોર્પ્સને વિખેરી નાખવું જોઈએ. અને લદ્દાખમાંથી સશસ્ત્ર બ્રિગેડને હટાવી લેવી જોઈએ. સરકારે તાજેતરમાં પત્રકારોને ચીન સાથેના સરહદી વિવાદ પર રિપોર્ટિંગ ન કરવાનું સૂચન કર્યું હતું તેના પર પ્રતિક્રિયા આપતા શુકલાએ લખ્યું હતું કે લદ્દાખમાં ચીનના આ આક્રમક વલણ સામેની શરણાગતિને દબાવી દેવા માટે સરકારે પત્રકારોને કહ્યું હતું કે હાલમાં ચાલી રહેલી મંત્રણાઓ અંગે કવરેજ કરવામાં ન આવે જેના લીધે નવી સ્થિતિના સામાન્યકરણ અંગે લોકોના અભિપ્રાયને તૈયાર કરવામાં મદદ મળશે. જેમાં ચીને ઘૂસણખોરી કરી છે અને તે હવે પાછું જવાનું નથી. શુકલાએ આગળ લખ્યું હતું કે દીવાલ પર લખેલા લખાણ જેવું સ્પષ્ટ છે કે સરકાર સૈન્ય અને રાજદ્વારી મંત્રણાની આડમાં આ બાબત પર ઢાંકપિછોડો કરી રહી છે પરંતુ ચીન આ નવી સરહદને કાયમી બનાવી દેશે. ૧૯૬રમાં તો સૈન્યએ યુદ્ધ લડયું હતું અને ચીનને કિંમત ચુકવવી પડી હતી. પરંતુ આ વખતે તો ગૌરવહીન શરણાગતિ જ છે.