અંકલેશ્વર, તા.૩
રેવાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદાના પુરના પાણી ભરાઈ જતા કાંઠા વિસ્તારના ગામોના પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા. નર્મદા નદીના પાણી રાજપારડી નજીકના જૂના પોરા ગામમાં પ્રવેશી જતા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. અસરગ્રસ્ત પરિવારો માટે અવિધા ખાતે શાળામાં રાહત કેમ્પ ઉભો કરી આશરો આપવામાં આવ્યો હતો. આવી આફત ગ્રસ્ત પરિસ્થિતિમાં રાજપારડીના એક સખી દાતા કે જેઓ આફતના સમયે હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા હોય એવા સૈયદ ઇમ્તિયાઝઅલી બાપુ તરફથી અસરગ્રસ્ત પરિવારો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂના પોરાના સરપંચ અવિધા તેમજ અન્ય ગામોના અગ્રણીઓની મદદથી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુએ અસરગ્રસ્ત પરિવારો માટે સતત ત્રણ દિવસથી જમવાની વ્યવસ્થા કરતા લોકોએ તેમની ઉદારતા અને મદદ કરવાની ભાવનાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે લોકડાઉનનાં સમય દરમિયાન પણ સૈયદ સાહબે ગરીબ પરિવારોને જરૂરી સામાનને લગતી કિટ્‌સનું મોટા પ્રમાણમાં વિતરણ કર્યું હતું.