(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૪
આણંદ જિલ્લાના સોજીત્રાની મુસ્લિમ વિદ્યાર્થિનીએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેના અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડવામાં આવેલ છે. તેમજ વડાપ્રધાન દ્વારા પણ રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. સોજીત્રાની નિશા એસ.વ્હોરા ભાઈકાકા સરકારી વિનયનની વિદ્યાર્થિની છે તેણીએ રાજ્ય કક્ષાની અનેક જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે તે બદલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેણીને શુભેચ્છા પાઠવી તેણીના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ તેઓએ ઉપાડી લીધો છે તેમજ તેણીને ૭૦ હજારનો રોકડ પુરસ્કાર પણ એનાયત કર્યો હતો. જ્યારે લોકડાઉન દરમિયાન અનેક સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું તેમાં યંગ ઈન્ડિયા કે બોલ વકતૃત્વ સ્પર્ધામાં નિશા વ્હોરાએ ભાગ લઈને પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થઈને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમક્રમે ઉત્તિર્ણ થઈને સમગ્ર દેશનું ગૌરવ વધારતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેણીને ૮૦ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. નિશા વ્હોરાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને સફળતા પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક તેમજ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરફથી રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત, દેશ અને ચરોતર સુન્ની વ્હોરા દેવાતજા સમાજનું ગૌરવ વધાર્યું છે.