(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૧
આણંદ જિલ્લાનાં સોજીત્રા ખાતે આવેલી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં આજથી દુધ મંડળી દ્વારા પશુપાલક સભાસદો પાસેથી દુધ સ્વીકારવાનુું બંધ કરવામાં આવતાં પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યકત કરી દુધ મંડળીની બહાર ૧૮૦૦ લીટર દુધ ઢોળી દઈ સુત્રોચ્ચા કરી ઉગ્ર વીરોધ પ્રદર્શન કર્યું હતું.
મળતી વીગતો અનુસાર સોજીત્રા ખાતે આવેલી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં આજથી થોડા દિવસ પુર્વે આણંદની અમુલ ડેરીએ લેબોરેટરી વાન સાથે અચાનક દુધની ચેકીંગ હાથ ધરી હતી. જેમાં મંડળીના પુર્વ ચેરમેન સહીત ૧૮ જેટલા સભાસદોના દુધમાં ગેરરીતિઓ આચરાઈ હોવાનું જણાતાં અમુલ ડેરીના સત્તાધીશો દ્વારા જે સભાસદોનાં દુધમાં ગેરરીતિ જણાઈ છે. તેઓ પાસેથી ભવીષ્યમાં તેઓ ગેરરીતિઓ નહીં આચરે તેવા સોગંદનામાના માંગણી કરવામાં આવી હતી પરંતુ પશુપાલકો દ્વારા એફીડેવીટ આપવાની ના પાડતાં તેમજ ભેળસેળવાળુ દુધ મળવાના કારણે આણંદની અમુલ ડેરી દ્વારા દુધ સ્વીકારવાનું બંધ કરી દેવાયું હતું. જેને લઈને ગઈકાલે સાંજે મંડળીમાં બોર્ડ મારી આજે સવારથી જ દુધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને આજે સવારે પશુપાલક સભાસદોએ દુધ મંડળીની બહાર ૧૮૦૦ લીટર દુધ રસ્તા પર ઢોળી દઈ ઉગ્ર વીરોધ પ્રદર્શીત કર્યો હતો અને ડેરીના મનસ્વી વર્તન સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું. દુધ ઉત્પાદકો દ્વારા માર્ગ પર દુધ ઢોળવાના કારણે ડેરીની બહાર સમગ્ર માર્ગ પર દુધ-દુધ થઈ ગયેલું દૃશ્માન થતું હતું અને ત્યારબાદ પશુપાલક અગ્રણીઓ આણંદની અમુલ ડેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યાં હતાં.