(એજન્સી) જયપુર, તા.૩૧
રાજસ્થાનમાં રાજકીય કટોકટી વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રએ વિધાનસભા સત્રની મંજૂરી આપ્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેલોત પોતાના સમર્થનમાં રહેલા તમામ ધારાસભ્યોને જેસલમેર લઇ ગયા છે. ત્રણ ચાર્ટર્ડ પ્લેનમાં આ તમામ ધારાસભ્યોને જેસલમેર રવાના કરાયા હતા. આ પહેલા આ તમામ ધારાસભ્યોને જયપુર-દિલ્હી હાઇવે પરની એક હોટેલમાં રોકી રખાયા હતા. રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપસિંહે જયપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ધારાસભ્યોને જેસલમેર લઇ જવામાં આવી રહ્યા છે જેથી તેઓ સંગઠિત રહે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીની વ્યૂહરચના છે કે, એક પણ ધારાસભ્ય સાથે સોદાબાજી ના થાય. જેસલમેર જયપુરથી આશરે ૫૫૦ કિલોમીટર દૂર હોવાથી ધારાસભ્યોને લઇ જવા માટે ત્રણ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરાઇ હતી. તમામ ધારાસભ્યોને હોટેલ સૂર્યગઢમાં રખાયા છે જ્યાં તેમની સુરક્ષાની કિલ્લેબંધી કરાઇ છે.
દરમિયાન કોંગ્રેસના એક ધારાસભ્ય પ્રશાંત બૈરવાએ જયપુર એરપોર્ટ પરથી જણાવ્યું હતું કે, અમે એક મોટા પરિવર્તન માટે જયપુર જઇ રહ્યા છીએ. ધારાસભ્યોને ખસેડવાનું પગલું ત્યારે ભરાયું જ્યારે એક દિવસ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ૧૪મી ઓગસ્ટે વિધાનસભા શરૂ થશે ત્યારે તેઓ વિશ્વાસ મત માગશે અને દાવો કર્યો હતો કે, વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યોને પક્ષપલટા માટે પહેલા કરતા પણ વધુ રકમની ઓફર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, બળવાખોર ધારાસભ્યોએ નાણા સ્વીકારવા જોઇએ નહીં અને પાર્ટીમાં પરત ફરવું જોઇએ. સરકાર વિરૂદ્ધ સચિન પાયલટ અને અન્ય ૧૮ ધારાસભ્યોએ ૧૩ જુલાઇએ બળવો કર્યા બાદથી જ રાજસ્થાનમાં રાજકીય કટોકટી સર્જાઇ છે અને ગેહલોત કેમ્પના તમામ ધારાસભ્યોને જયપુર ખાતેની એક હોટેલમાં રાખવામાં આવ્યા હતા.